સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે પી.પી.એસ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત ભાષા અને સાહિત્યનો પ્રચાર-પ્રસાર દેશવ્યાપી બને તેવા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ‘‘શત્ સુભાષિત કણ્ઠ પાઠ યોજના’’ શરૂ કરાયેલ છે. જેમાં સંસ્કૃત સારસ્વત નીતાબેન ભટ્ટ તેમજ ગજેરાભાઇ દ્વારા શાળાના ૫૦ વિદ્યાર્થીઓને ભગવદ્દ ગીતાના શ્લોક અને ૧૦૦ સુભાષિત કંઠસ્થ કરાવી તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોમાં નૈતિક મૂલ્યો કેળવવાનો છે. પ્રાચીન સમયમાં ‘‘ શતશ્લોકેન પન્ડિત’’આ કહેવત પણ પ્રખ્યાત હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે ૧૦૦ (સો) શ્લોક કે કહેવતોની જાણકારી ધરાવતી વ્યક્તિને પંડિત કહેવામાં આવે છે. ‘સુભાષિત’નો અર્થ થાય છે – નીતિયુક્ત સુવાક્ય/સુંદર શબ્દો, જે મહાન ચિંતકો દ્વારા લખાયેલા હોય છે અને સમાજને માર્ગદર્શન પૂરું પાડે છે, એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું.










































