રાજકોટમાં ૧૪ વર્ષીય બાળકીને પેટમાં દુખાવો ઉપડતા પિતાને જાણ થઈ કે તેમની દીકરી સાથે છેલ્લા પાંચ મહિનાથી અન્ય કોઈ નહીં પરંતુ તેના જ ઘરમાં રહેતો તેનો કૌટુંબિક ભાઈ દુષ્કર્મ આચરી રહ્યો છે. તેમજ દીકરી સગર્ભા ન બને તેના માટે તેના જ કૌટુંબિક કાકા તેણીને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ૧૪ વર્ષીય પીડિતાના ૩૩ વર્ષીય પિતા દ્વારા રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના ૩૭ વર્ષીય કૌટુંબીક ભાઈ વિરુદ્ધ બીએનએસ ની કલમ ૬૫(૧), ૩૫૧(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪(૨), ૬(૧) મુજબ ગુનો નોંધાવવામાં આવતા તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસ દ્વારા હવસખોર કૌટુંબીક કાકાની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર બુધવારના રોજ સગીરાને પેટના ભાગે દુખાવો ઉપડ્યો હતો. જેથી તેના પિતાએ બાળકીને પૂછ્યું હતું કે શા માટે તને પેટમાં દુખાવો ઉપડ્યો છે? તે સમયે બાળકી પાસેથી કેટલીક ગોળીઓ મળી આવી હતી. તેમજ ત્યારબાદ બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના હાજર તબીબને બાળકી પાસેથી મળી આવેલ ગોળી બતાવતા તબીબ દ્વારા તે ગોળીઓ ગર્ભ નિરોધકની હોવાનું જણાવ્યું હતું.
તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની ગોળીઓના સેવનથી ગર્ભાવસ્થા રહેતી નથી તેમજ વધુ પ્રમાણમાં આ પ્રકારની ગોળીઓનું સેવન કરવામાં આવે તો ઇન્ફેક્શન પણ થઈ શકે તેમ છે. તેમજ ત્યારબાદ બાળકીને ગોળી સંદર્ભે પૂછવામાં આવતા તેણીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેના કૌટુંબીક કાકા તેને ગોળીઓનું સેવન કરાવી રહ્યા છે. તો સાથે જ જણાવ્યું હતું કે છેલ્લા પાંચેક મહિનાથી ઘરમાં કોઈ અન્ય સભ્ય ન હોય ત્યારે કૌટુંબીક કાકા દ્વારા તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ અવાર નવાર બાંધવામાં આવતો હતો.
બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સુધીર રાણા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની જાણ બાળકીના પિતાને થતા તેમના દ્વારા પોતાના કૌટુંબિક ભાઈને વોટ્સએપ દ્વારા મેસેજ પણ કરવામાં આવ્યો હતો. મેસેજ કરીને આરોપીને પૂછવામાં આવ્યું હતું કે, તેના દ્વારા દીકરીને ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરાવવામાં આવતું હતું કે કેમ? ત્યારે પોલીસ દ્વારા આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે. તેમજ વોટ્સએપ ચેટ પણ તપાસના કામે રિકવર કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની પત્ની છેલ્લા આઠ મહિનાથી પોતાના ચાર જેટલા બાળકો સાથે પોતાના પિયરમાં રિસામણે ચાલી ગઈ છે. ત્યારે પોતાની હવસને સંતોષવા માટે આરોપી દ્વારા પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે છેલ્લા પાંચ મહિનાથી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર બાળકી તેમજ તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી હોવાનું તેમજ છેલ્લા ઘણા સમયથી રાજકોટ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તેમજ ભોગ બનનાર બાળકીના પિતા છૂટક મજૂરી કામકાજ કરી ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. તપાસના કામે પોલીસ દ્વારા આરોપીના કપડા કબજે લેવામાં આવ્યા છે. તો સાથે જ એફએસએલની ટીમને સાથે રાખીને જે જગ્યાએ બાળકી સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવતા હતા ત્યાંથી પણ કેટલાક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. તેમજ બાળકીને જે ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરાવવામાં આવતું હતું. તે ગોળીઓ આરોપી કઈ જગ્યાએથી મેળવતો હતો? ગર્ભ નિરોધક ગોળીઓ કોણ તેને આપતું હતું તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.









































