સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાઇ છે. રાંધણ છઠ થી શરૂ થતો લોકમેળો શ્રાવણ વદ દશમના દિવસે પૂર્ણ થતો હોય છે. ત્યારે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળ વગર ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે.
લોકમેળો યોજાવવાને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે. યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા રાજકોટ કલેકટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસોપીમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબતે કોઈપણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં નથી આવ્યા. જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગૂંચવણ ઊભી થઈ છે. ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી હાલ સજેશન મંગાવવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટરનો દાવો છે કે, છેલ્લા દસ દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી મેળો યોજી શકે તેમ છે.
હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેળાના રિવાઈઝડ પ્લાનને લઇ હાલ ચર્ચા વિચારણા શરૂ છે. ત્યારે આગામી સમય જ બતાવશે કે રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઈડ સાથે થાય છે કે પછી યાંત્રિક રાઈડ વગર જ લોકોએ મેળાની મજા માણવી પડશે.