લીલીયા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત દિવસથી પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. હોસ્પિટલ જેવી અતિઆવશ્યક જગ્યાએ પીવાના પાણીની સુવિધા ન હોવાને કારણે અહીં દાખલ દર્દીઓ, તેમના સગાં-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને સારવાર માટે આવતા વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે “પાણી ક્યાંથી મેળવવું?” તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. પીવાનું પાણી ન મળતા દર્દીઓને ના છુટકે બહારથી પાણી લાવવું પડે છે. આ પાયાની જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી હોસ્પિટલની હોવા છતાં, હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. વહીવટી તંત્રની આ બેદરકારીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.