લીલીયા મોટા ખાતે છેલ્લા બે વર્ષથી રાજકીય ગજગ્રાહના કારણે ટલ્લે ચડેલી ‘નલ સે જલ’ યોજના અંતર્ગત હાઉસ કનેક્શનની કામગીરીનું ૨/૨/૨૦૨૬ના સવારે ૧૦ઃ૩૦ કલાકે પટેલ વાડી નજીક ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાનકડી કુમારીકા ભગીરથી અજયભાઈ વિરાણીના વરદ હસ્તે સંપન્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં જ કરોડો રૂપિયાના ખર્ચે મશીનરી, વીજ કનેક્શન અને શહેરના ૧૬ વોર્ડમાં ૩૨ કિ.મી. પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. જેમાં ઝોન-૧માં ૩૩ લાખ લિટરનો સંપ અને ૫ લાખ લિટરની ટાંકી, ઝોન-૨માં ૫.૫ લાખ લિટરની ટાંકી અને ઝોન-૩માં ૬.૫ લાખ લિટરની ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, રાજકીય ખેંચતાણ અને ગ્રામ પંચાયત દ્વારા હાઉસ કનેક્શનની ૧૦% રકમ સમયસર જમા ન કરાવતા કામગીરી અટકી પડી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામસભાઓ અને આવેદન પત્રો અપાયા હતા અને કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભૂમિ પૂજન પ્રસંગે ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયા, પૂર્વ સરપંચ જીવનભાઈ વોરા, આમ આદમી પાર્ટી પ્રમુખ વિજયભાઈ વિરાણી, રાજુભાઈ ગરાણીયા અને પાણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. જોકે, શાસક પક્ષના એક પણ પદાધિકારી હાજર ન રહેતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયાએ જણાવ્યું હતું કે, આ કામગીરી શરૂ થતા ૨૭૦૦ જેટલા પરિવારને મહી પરી યોજનાનું મીઠું પાણી મળશે. પૂર્વ સરપંચ જીવનભાઈ વોરાએ જણાવ્યું કે સરકારી પ્રક્રિયાના કારણે થયેલ વિલંબ બાદ હવે યોજના શરૂ થતા લોકોની સુખાકારી વધશે.









































