લીલીયા મોટા ઘટકના ૮૦ આંગણવાડી કેન્દ્રોની ૧૪૫ વર્કર અને હેલ્પર બહેનો એક દિવસની સામૂહિક રજા પર રહેશે. તેઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવશે. મુખ્ય માંગણીઓમાં ૨૦૧૮ પછી વેતન વધારો ન થયો હોવાનો મુદ્દો છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના પરિપત્ર છતાં વધારાની કામગીરીઓ જેવી કે પોષણ ટેકર લાભાર્થીઓના KYC અને દર મહિને ફોટો કેપ્ચર જેવી FRS કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીઓ બાળકોને શિક્ષણથી વંચિત કરી પોષણના અધિકારો છીનવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, જે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સી.ટુ સાથે જોડાયેલું છે, તેણે ચૂંટણી કામગીરી (BLO) સોંપવાનો પણ વિરોધ કર્યો છે. લીલીયા સી.ડી.પી.ઓ. કચેરી ખાતે નયનાબેન ગરાણીયાના અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.








































