લીલીયા તાલુકાના ક્રાંકચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સગર્ભા તપાસ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષી, આર.સી.એચ.ઓ. ડો. સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ. સિદ્ધપુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રની મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ લાભ લીધો હતો. અમરેલીની નારી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. વિજય નાકરાણી અને આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. જય વાઘેલા દ્વારા ૫૨ જેટલી અતિ જોખમી, જોખમી અને ઓછા વજનવાળી સગર્ભા બહેનોની શારીરિક તપાસ કરવામાં આવી હતી અને તેમને આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ અને ખીલખીલાટ આરોગ્ય સેવાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.