લીલીયા શહેરમાં પાછલા ત્રણ વર્ષથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નલ સે જલ યોજના અંતર્ગત હાઉસ કનેક્શન ન અપાતાં આ યોજના ટલ્લે ચડી છે. આ અંગે કામગીરી શરૂ કરાવવા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણીની આગેવાનીમાં લીલીયા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યું હતું કે, અંદાજિત રૂ. ૯ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૧ નલ સે જલ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ યોજનાની કામગીરી શહેરના ત્રણ ઝોનમાં કરવામાં આવેલ, જેમાં ૩૩ લાખ લિટરનો એક સંપ, ૫ લાખ લિટરની ક્ષમતાવાળી ત્રણ ઉંચી ટાંકી ૩૨ કિ.મી માં પાણી વિતરણ માટે પાઇપ લાઇન અને મશીનરી અને વીજ કનેક્શન સહિત ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા જુલાઈ ૨૦૨૩ માં યોજનાનું ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવેલ. ત્યારબાદ શહેરના ૩૩૦૦ પરિવારોને નલ સે જલ મળી રહે તે માટે વાસ્મો પુરસ્કૃત હાઉસ કનેક્શનની ૧૦% રકમ રૂ.૯,૦૦,૦૦૦/- ગ્રામ પંચાયતે લોકફાળા પેટે ભરવાના હતા તે સમયસર ન ભરાતા હાઉસ કનેક્શન ની કામગીરી ટલ્લે ચડી છે. જો દિવસ ત્રણમાં હાઉસ કનેક્શન કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આ તકે ઉચ્ચારી હતી. આ તકે મહામંત્રી રાજુભાઈ ગરાણીયા, અરુણાબેન પંડ્‌યા, જીતુભાઈ ભાલાળા, રૂબીના પઠાણ, પ્રતિભાબેન જોષી, ઘનશ્યામભાઈ દેલવાડિયા, સહિતના કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.