લીલીયા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ભૂગર્ભ ગટર યોજના છેલ્લા દોઢ દાયકાથી સ્થાનિક રહીશો માટે માથાના દઃુખાવા સમાન બની ગઈ છે. હાલમાં આ ગટરનું કરોડોના ખર્ચે સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ તેના કારણે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે. અનેક વિસ્તારોમાં ગટરના પાણી બ્લોક થવાથી ગંદકી માર્ગો પર ફરી વળી છે, જેના લીધે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. લોકપ્રતિનિધિઓ આ પ્રશ્ન ઉકેલવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હોવાનો સુર ઉઠ્‌યો છે. આ ગંભીર સ્થિતિને પગલે વૃંદાવન સોસાયટીના રહીશોએ તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્યને ઉગ્ર આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તેઓ ગ્રામ પંચાયત સામે પ્રતિકાત્મક ઉપવાસ આંદોલન છેડશે. વહીવટી તંત્રની આ ઢીલી નીતિ સામે હવે જનતા આરપારની લડાઈના મૂડમાં જણાઈ રહી છે.