સાવરકુંડલા – લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા લીલીયા ખાતે આવેલી હોસ્પિટલના નવીનીકરણ માટે રૂ.૭ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવતા લીલીયા શહેરને આધુનિક આરોગ્ય સેવાઓ મળશે. રૂ.૭ કરોડનો ઉપયોગ હોસ્પિટલ બિલ્ડીંગના નિર્માણ, ફર્નિચરની વ્યવસ્થા અને સુધારણા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી લીલીયાની આરોગ્ય સુવિધાઓમાં વધારો થશે. દર્દીઓને વધુ સારી તબીબી સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે.
હાલ હોસ્પિટલનું બિલ્ડીંગ ખૂબ જ જૂનું અને જર્જરિત હોય ત્યારે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે લીલીયા તાલુકા વતી રજૂઆતો કરી હતી જેથી ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭ કરોડ ફાળવવામાં આવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો આભાર માન્યો હતો.