અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં શેત્રુંજી નદીના પટમાંથી ચાલતી રેતીની ગેરકાયદે ચોરી સામે મામલતદારે કડક કાર્યવાહી હાથ ધરી છે. નામદાર હાઈકોર્ટના પ્રતિબંધ હોવા છતાં મોટા કણકોટ વિસ્તારમાંથી ભૂ-માફિયાઓ દ્વારા રેતી ઉસેડવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અગાઉ જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત સહિતના આગેવાનોએ પણ રજૂઆત કરી હતી. જેના પગલે લીલીયા મામલતદાર એચ.ડી. વાડાએ લાલઆંખ કરી તપાસ તેજ કરી હતી. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં સનાળીયા ચોકડી નજીકથી એક ડમ્પર (જીજે ૧૮ એયુ ૪૪૩૯) અને મામલતદાર કચેરી સામેથી અન્ય એક ડમ્પર (જીજે ૧૩ વી ૭૯૪૮) બિનકાયદેસર રેતી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્રએ અંદાજે રૂ.૬.૫૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે લીલીયા પોલીસને સોંપ્યો છે. આ કામગીરીથી ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.