લીલીયા તાલુકાના મોટા કણકોટથી આબા તરફ જતા માર્ગ પર બીજા નાળા પાસે છેલ્લા ચારથી છ મહિનાથી એક વિશાળ અને અત્યંત ઊંડો ખાડો (ભુવો) પડેલો છે. આ માર્ગ પર વાહનોની સતત અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તાની એકાએક બાજુમાં જ આ ભયાનક ખાડો હોવાને કારણે ગંભીર અકસ્માતની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને આ અંધારામાં ખાડો હોવાનો ખ્યાલ આવતો નથી, જેના પરિણામે વાહન તારવવા જતાં સીધું જ ખાડામાં ખાબકી શકે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ખાડો એટલો ઊંડો અને જોખમી છે કે જો કોઈ વાહન તેમાં પડે તો ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિનો જીવ જાય તેવી ભીતિ છે. કોઈ ગંભીર જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર જાગે અને કણકોટથી આબા આવતા આ બીજા નાળા પાસેના ભુવાની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.