લીલીયા તાલુકાના ગુંદરણ ગામે સમસ્ત કોળી અને ઠાકોર સમાજની મહત્વની મિટિંગ યોજાઈ હતી. મિટિંગનું આયોજન યુવા આગેવાન અલ્પેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવું, શૈક્ષણિક રીતે સદ્ધરતા લાવવી અને અંધશ્રદ્ધા નાબૂદી પર ભાર મૂકવાનો હતો. સમાજ સાથે થતા અન્યાય સામે લડત આપવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકામાં બહુમતી હોવા છતાં સમાજને યોગ્ય સ્થાન ન મળતાં, કોળી-ઠાકોર સમાજ એક થઈને પોતાનો હક મેળવવા લડત આપશે. સરકારી નોકરી માટે યુવાનોને માર્ગદર્શન આપવાની વાત પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ સહિત વિવિધ સંગઠનો અને રાજકીય હોદ્દા પરના નવનિયુક્ત આગેવાનોનું સન્માન અને સ્નેહમિલન યોજાયું હતું. મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.








































