લીલીયા તાલુકાના કલ્યાણપરના જાગૃત નાગરિક અશ્વિનભાઇ બલરે ગામમાં નમી ગયેલ વીજપોલને સીધા કરી તાર ખેંચવા અને પ્લોટ વિસ્તારમાં સ્ટીલ વિનાના તાર લંબાવવા બાબતે સ્થાનિક પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે આ અંગે પત્રમાં જણાવ્યું હતું કે, કલ્યાણપર ગામમાં પ્લોટ વિસ્તારના થાંભલા ઘણા સમયથી નમી ગયેલ છે, અને થાંભલાના તાર મકાનના નેવા સુધી આવી ગયા છે. કોઈ દુર્ઘટના બને તે પહેલા આ બન્ને પોલ સીધા કરવા અને તાર ખેંચવા જરૂરી છે. જે બે પોલ ઉભા કરવામાં આવ્યા છે તેમાં એક પોલને તાણીયો બાંધવાની જરૂર છે. તે નેરાના સામસામા કાંઠે છે ને તે પોલને એલ આકારમાં તાર આવતા હોવાથી તે આગળનાં બંને પોલ નમી ગયેલ હોવાથી આ નવા પોલને પણ નુકસાન થાય તેમ છે. પોલ ઉભા કર્યા ત્યારે તે પોલની સાથે તાણીયો બાંધવા વિનંતી કરેલ, પણ અમારી વાત કોઈએ ધ્યાનમાં લીધેલ નથી. જે બે પોલ છે તેમાં સ્ટ્રીટ લાઈટનો તાર નાખવામાં આવ્યો નથી. તો તે તાર પણ નાખવાની માગણી પણ કરવામાં આવી છે. આ અંગેની જાણ નકલ તેમણે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને કલ્યાણપરના સરપંચ-તલાટીને પણ કરી છે.