લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આંબા ગામના વતની ઘનશ્યામભાઇ નરશીભાઇ મંગાણી અને તેમના પત્ની જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી (ઉંમર આશરે ૩૦ વર્ષ) પોતાના સીડી હોન્ડા બાઇક પર ગઢડા તરફથી પોતાના ગામ આંબા જઈ રહ્યા હતા. આ દરમિયાન, અમરેલી એસ.ટી. ડેપોની સરકારી બસ જે લાઠીથી લીલીયા તરફ આવી રહી હતી, તેની પાછળના ભાગે બાઇક ઘસાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે જાનવીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ​જ્યારે તેમના પતિ ઘનશ્યામભાઇને સામાન્ય ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.