સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે સમસ્ત કોળી યુવા સંગઠન દ્વારા એક મહ¥વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટાઝિંઝુડા, નાનાઝિંઝુડા, પીઠવડી, વંડા, શેલણા, ફિફાદ, જેજાદ, ડેડકડી, છાપરી, ગાધકડા, સાવરકુંડલા, નેસડી, ભેંકરા અને વીરડી સહિતના ગામોના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજને રાજકીય, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો હતો. આ માટે, તમામ સંગઠનોને એક મંચ પર લાવીને સંગઠનને મજબૂત કરવા માટે ગામડે ગામડે ગ્રામ્ય સમિતિઓની રચના કરવાની યોજના બનાવવામાં આવી. સાથે જ, લાયકાતના આધારે વિભાગીય કામગીરી સોંપવા અને સંગઠનને આયોજનબદ્ધ રીતે આગળ વધારવા માટે ગંભીર ચર્ચાઓ થઈ. નિર્ણયોમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ઠરાવ સિસ્ટમ અપનાવવાનું નક્કી કરાયું. બેઠકના અંતે, સમાજને મળતા અધિકારો વિશે યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા અને સૌએ એકજૂટ થઈને સમાજના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લીધો હતો.