લીંબુની જાતો કાગદી લીંબુ: ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કેન્દ્ર પર થયેલ વિવિધ જાતોના અભ્યાસના પરિણામોના આધારે ગુજરાતમાં વ્યાપારિક ધોરણે ખેતી કરવા આ જાતની ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના ફળો નાના થી મધ્યમ કદના (૪૦–૬૦ ગ્રામ), ગોળ, કાગળ જેવી પાતળી છાલવાળા, રસ ખૂબ ખાટો અને ખાસ પ્રકારની સોડમવાળો હોય છે. ફળો પાકતા પીળો રંગ વિકસતો હોઈ ફળો ખાસ આકર્ષક બને છે.
લીંબુની બીજી ઘણી જાતો છે જેમ કેવિન્કમ, પીકેએમ-૧, સીડલેસ, પ્રામાલીની, જયદેવી, પીડીકેવીલાઈમ, ફૂલે સરબતી અને સાઈ સરબતી.
સંવર્ધન:: લીંબુના પાકની ખેતીમાં રોપ ઉછેર અને તેની પસંદગી ખાસ અગત્યનાં છે. લીંબુનું વાવેતર બીજ, ગુટીકલમ, દાબકલમ તથા આંખ કલમથી કરી શકાય છે પરંતુ બીજમાંથી રોપા તૈયાર કરી વાવેતરમાં ઉપયોગ કરવો તે સર્વસામાન્ય ભલામણ છે કારણ કે બીજ બહુભૃણીય છે. આવા બીજમાંથી તૈયાર થયેલ રોપા માતૃછોડ જેવા જ ગુણધર્મો ધરાવે છે તેમજ કલમો કરતાં આવા રોપા વધારે જૂસ્સાદાર અને વધારે આયુષ્ય ધરાવતા હોવાનું સંશોધનના તારણો પરથી જણાયેલ છે.
રોપણી: કૃષિ યુનિવર્સિટી પ ર થયેલ સંશોધનના આધારે લીંબુની રોપણી ૬ મીટર × ૬ મીટરના બદલે ૪.પ મીટર × ૪.પ મીટરના અંતરે કરતાં લગભગ બમણું ઉત્પાદન મળે છે. જો કે સાંકડા ગાળે રોપણી કરતાં તેનું આર્થિક ઉત્પાદન આયુષ્ય ૧પ વર્ષની આજુબાજુ રહે છે. ઉનાળામાં ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી. ના માપના ખાડા બનાવી ૧પ–ર૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દીધા બાદ માટી સાથે ખાડા દીઠ રપ કિલો છાણિયું ખાતર તથા ઉધઈનો ઉપદ્રવ હોય તો કલોરોપાયરીફોસ ૧૦૦ લિટર પાણીમાં ૧૦૦ મિ.લિ. મેળવી રોપણી બાદ ૧૦ લિટર મિશ્રણ ખાડામાં છોડ ફરતે રેડવું. જૂન–જુલાઈમાં સારો વરસાદ થયેથી ખાડામાં તંદુરસ્ત રોપા રોપી તેની આજુબાજુની જમીન બરાબર દબાવવી અને જરૂર જણાય તો હળવું પાણી આપવું. રોપા પવન અને ભારે વરસાદમાં પડી ન જાય તે માટે ટેકા
આપવા.
વાડની માવજત: ખાતરઃ ખાતરો આપવાનો સમય: બિનફળાઉ લીંબુમાં ઉપરોક્ત ખાતરો એકલા જ ન વાપરતા સેન્દ્રિય ખાતરો, ખોળ, જૈવિક ખાતરો, જીવામૃત વગેરે ત્રણ હપ્તામાં જૂન-જુલાઈ, ઓક્ટોબર-નવેમ્બર અને ફેબ્રુઆરી-માર્ચમાં સરખા હપ્તામાં :આપવા. જ્યારે ફળાઉ લીંબુમાં બહાર માવજત વખતે એટલે છોડને આરામ આપ્યા બાદ ઓક્ટોબરમાં અને બીજો હપ્તો ફેબ્રુઆરી –માર્ચમાં સરખા ભાગમાં આપવા. પ્રવાહી ખાતરો અને ગૌણતત્વો પાન ઉપર ૧-૨ ટકાના પ્રમાણથી વર્ષમાં ૨-૩ વખત છંટકાવ કરવો.
ગુજરાતમાં લીંબુના પાકમાં ખાસ કરીને ગૌણતત્વો જેવાં કે જસત અને લોહની ખાસ ઉણપ જણાય છે જેના લીધે પાન પીળા પડી જાય છે અને ફળોનો વિકાસ પણ બરાબર થતો નથી. જે દૂર કરવા છોડને નવા પાન ફૂટતા હોય ત્યારે ઉપર પ્રમાણે ગૌણતત્વો આપવા.
પિયત:લીંબુનો પાક છીછરા મૂળ ધરાવતો હોઈ નિયમિત હળવું અને ઓછા દિવસના અંતરે પાણી આપવાની ખાસ ભલામણ છે. રોપણી બાદ તરત જ પાણી આપવું. ચોમાસામાં વરસાદ ન હોય તો ઉછરતા છોડને દર ૪–૬ દિવસે પાણી આપવું. પુખ્ત વયના છોડને શિયાળામાં ૧૦ દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસે પાણી આપવું. જો ટપક સિંચાઈ બેસાડેલ હોય તો જમીન, ૠતુ અને છોડનો વિકાસ ધ્યાનમાં લઈ રોજના ૩૦ થી પ૦ લિટર પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી.
કેળવણી અને છાંટણી: કેળવણીમાં છોડને એક થડે વધવા દેવા. રોપણી બાદ બીજા વર્ષે જમીનની સપાટીથી થડના લગભગ ૬૦ સે.મી. સુધીના ભાગ પરથી ફૂટતી ડાળીઓ સીકેટરથી કાપી નાખવી. ત્યારબાદ ચાર થી પાંચ ડાળીઓ રાખવી જેથી છોડનું માળખું સમતોલ અને મજબૂત બને. લીંબુના પાકમાં ફળ મેળવવા છાંટણીની કોઈ ભલામણ નથી પરંતુ થડ પરથી નીકળતા પાણી પીલા સતત દૂર કરતા રહેવું. આ ઉપરાંત દર વર્ષે ચોમાસુ પૂરૂં થયા બાદ સૂકી કે રોગિષ્ઠ ડાળીઓ કાપીને દૂર કરી, કપાયેલ ભાગ પર બોર્ડોપેસ્ટ લગાવવું.(ક્રમશઃ)