સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્નપ્રસંગમાં રાસગરબામાં ડીજેના બદલે મોબાઈલમાંથી એક ગીત વગાડવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલીનો લોહિયાળ અંજામ આવ્યો હતો. ગીત વગાડવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખી ઉશ્કેરાયેલા યુવાને અમદાવાદથી લગ્નમાં આવેલા કૌટુંબિક ભાઈને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે ખાડે ગઈ હોય તેમ સામાન્ય બાબતમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે વધુ એક હત્યાના બનાવ બનતાં જાણે પોલીસનો ડર જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ બનાવ અંગે લીંબડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા દીપકભાઈ જયેશભાઈ સોલંકી લીંબડી ખાતે રહેતા કૌટુંબિક મામાની દીકરીના લગ્નમાં પરિવારજનો સાથે આવ્યા હતા અને રાત્રિના સમયે દાંડિયારાસના પ્રોગ્રામ દરમિયાન ડીજેમાં લેપટોપમાંથી ગરબા વગાડવામાં આવતા હતા.
દીપકભાઈએ લેપટોપના બદલે પોતાના મોબાઈલમાંથી એક ગીત વગાડવા કહ્યું હતું. જે બાબતે લીંબડીમાં જ રહેતા દીપકભાઈના કૌટુંબિક મામાના દીકરા અમન પ્રવીણભાઈ ચાવડા સાથે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા અમન ઉગ્ર ઝઘડો કર્યો હતો. દીપકભાઈને બેફામ ગાળો આપવા લાગતા દાંડીયારાસમાં હાજર પરિવારજનો એકઠા થઈ ગયા હતા અને બંનેને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે લગ્ન પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ અમન હજુ પણ વેર લેવાના મૂડમાં હતો આથી લગ્ન પૂર્ણ થયા બાદ બીજા દિવસે દીપકભાઈ ત્યાં રોકાયા હતા અને મસાલો ખાવા બહાર ગયા હતા તે સમયે અમન છરી લઈ ધસી આવ્યો હતો અને દીપકભાઈ કંઈ સમજે તે પહેલા જ તેમને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા દીપકભાઈએ બચવા માટે ઘર તરફ દોટ લગાવી હતી. અને પરિવારજનોને જાણ થતાં પરિવારજનો ઈજાગ્રસ્ત દીપકભાઈને સારવાર માટે પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. દીપકભાઈને ગળાના ભાગે ઘા ઊંડો વાગ્યો હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દીપકભાઈનું મૃત્યુ નીપજતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
જે ઘરમાં થોડા કલાકો પહેલા જ લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા ત્યાં સમગ્ર પરિવારના હૈયાફાટ આક્રંદથી માહોલ ગમગીન બની જવા પામ્યો હતો. હત્યાના બનાવ અંગે જાણ થતાં જ લીંબડી  સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી હત્યામાં સંડોવાયેલા આરોપી અમન પ્રવીણભાઈ ચાવડાને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા અમન હત્યા જેવો ગંભીર ગુનાને અંજામ આપી દેતા પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.