લાઠી તથા દામનગર વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નજીકમાં સુવિધા મળી રહે તે હેતુસર ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સમક્ષ નવી સરકારી કોલેજ મંજૂર કરવા બાબતે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લાઠી–દામનગર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ધોરણ-૧૨ બાદ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વસે છે. હાલમાં નજીકમાં સરકારી કોલેજ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અમરેલી, ભાવનગર કે અન્ય શહેરોમાં અભ્યાસ માટે લાંબી મુસાફરી કરવી પડે છે, જેનાથી સમય, ખર્ચ અને સુરક્ષા સંબંધિત અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓ માટે આ સ્થિતિ વધુ પડકારજનક બને છે. જો લાઠી અથવા દામનગર વિસ્તારમાં નવી સરકારી કોલેજ મંજૂર કરવામાં આવે તો સ્થાનિક વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સસ્તું ઉચ્ચ શિક્ષણ મળી રહેશે, ડ્રોપઆઉટ દરમાં ઘટાડો થશે. આ કોલેજમાં આટ્ર્સ, કોમર્સ તથા સાયન્સ જેવી અભ્યાસ શાખા શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પોતાની રસ અને ક્ષમતા અનુસાર અભ્યાસ કરવાની તક મળશે. શિક્ષણ મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી અને વિષયની યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.







































