લાઠી શહેરમાં ગાંગડિયા નદીના કાંઠે આવેલા એક ભંગારના ડેલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અંદાજે રૂ.૪ થી ૫ લાખનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક વિગતો મુજબ, ડેલામાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશોએ આ કટોકટીની સ્થિતિ અંગે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી હતી. જોકે, પાલિકાનું મુખ્ય ફાયર ફાઈટર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું હોવાની હકીકત સામે આવતા લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે આગ પર કાબૂ મેળવવા માટે અંતે નગરપાલિકાના સાદા પાણીના બંબા બોલાવવાની ફરજ પડી હતી. સ્થાનિકો અને તંત્રએ કલાકોની ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવીને આગને માંડ-માંડ નિયંત્રણમાં લીધી હતી. આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા જ ડેલામાં રાખેલો મોટાભાગનો કીમતી ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.










































