લાઠી શહેરમાં સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલ અંડર ગ્રાઉન્ડ નવા સ્ટ્રીટ લાઈટના પોલ નાખવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ રહી હોવાની ગંભીર ફરિયાદ લાઠી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી છે. લાઠીના લુવારિયા દરવાજા પાસે આવેલ વણકરવાસમાં રહેતા અરજદાર દિનેશભાઈ દલાભાઈ સેજુ અને મનજીભાઈ નારણભાઈ ગોહિલે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરમાં નાખવામાં આવેલા નવા સ્ટ્રીટ લાઈટના પોલ અત્યંત હળવા વજનના છે અને તેની ગુણવત્તા ધારાધોરણ મુજબની નથી. વધુમાં, પોલના પાયામાં નિયમ મુજબ સિમેન્ટ, કાંકરી કે રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેમજ પી.સી.સી. (ઁઝ્રઝ્ર) કામ પણ કરેલ નથી. આ ઉપરાંત, પોલને નિયત ઊંડાઈ મુજબ ઉભા કરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અરજદારોએ આક્ષેપ કર્યો છે કે, આ અંગે અગાઉ સત્તાધીશો અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને હાલમાં પણ નબળું કામ ચાલી રહ્યું છે. નગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થતો હોવાનો અને વિરોધ કરનારને હેરાન કરવાની ધમકીઓ મળતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. અરજદારોએ ચીફ ઓફિસરને સ્પષ્ટ માંગ કરી છે કે, આ કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને ત્યાર બાદ જ કોન્ટ્રાક્ટરને ગ્રાન્ટની રકમ ચૂકવવામાં આવે. જો આ અરજી પર સંતોષકારક કાર્યવાહી નહીં થાય, તો નાછૂટકે કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અરજીની નકલ ભાવનગર રિજનલ કમિશ્નર અને લાઠી પ્રાંત અધિકારીને પણ રવાના કરવામાં આવી છે.











































