અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં જળસંચયની દિશામાં ઐતિહાસિક પગલું ભરાયું છે. લાઠીના મેથળીથી સુવાગઢ સુધીની અવિચળ નદીને ઊંડી અને પહોળી બનાવવા માટે સરકારે રૂ. ૭.૬૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સતત પ્રયાસોથી આ મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટથી નદીની જળસંગ્રહ ક્ષમતા વધશે, ભૂગર્ભજળ સ્તર ઊંચું થશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. ધારાસભ્ય તળાવીયાએ જણાવ્યું કે આ યોજનાથી લાઠી પંથકનું કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે. ટૂંક સમયમાં પ્રોજેક્ટનું કામ શરૂ થવાની શક્યતા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.