લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા લાઠીમાં ‘સમર્પણ કાર્યાલય’ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, ખેડૂતો, આગેવાનો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં એસ.ટી. બસ સુવિધા, વીજ પુરવઠો, સિંચાઈ, પાક વીમો, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, આરોગ્ય અને શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.ધારાસભ્યએ દરેક રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપી હતી અને અનેક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવ્યા હતા. નોંધનીય છે કે, ધારાસભ્ય દર અઠવાડિયે જનતા દરબાર યોજી લોકસંપર્ક જાળવી રાખવાની પરંપરા દ્વારા જનતાની વચ્ચે સતત સક્રિય રહે છે. લોક દરબાર દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓના ધક્કા ખાવાને બદલે ધારાસભ્યના કાર્યાલયે સીધી રજૂઆત કરવાથી કામગીરી વધુ ઝડપી થાય છે.






































