લાઠી શહેરમાં ગાગડીયો નદી, જે શહેરની જીવાદોરી સમાન છે, હાલ ગાંડીવેલ (જળકુંભી)ના સામ્રાજ્યથી ભયાવહ સ્થિતિમાં છે. નદીના પાણી પર ગાંડીવેલનું ગાઢ આવરણ ફેલાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાંડીવેલના કારણે મચ્છરો અને અન્ય જીવાતનો ઉપદ્રવ મોટા પાયે વધી ગયો છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા છે. નદી કિનારા નજીક વસતા લોકો આ સમસ્યાથી સૌથી વધુ પરેશાન છે. તેમના ઘરોમાં મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ નગરપાલિકા અને તંત્રને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ તાત્કાલિક ગાગડીયો નદીમાંથી ગાંડીવેલ દૂર કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી છે.