લાઠીના સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુર્ખીયા હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમ, હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા મેળામાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા સ્થિત એજ્યુકેશન ટ્રસ્ટના અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ બાળકો નાની-મોટી આર્થિક મદદની આશાએ દાદાના દરબારમાં પધાર્યા હતા.મંદિર પ્રશાસન દ્વારા આ બાળકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી હતી. તેમને મંદિરના દાર્શનિક પ્રવેશદ્વાર પાસે સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો, જ્યાંથી હજારો શ્રધ્ધાળુ ભાવિકો પસાર થતા હતા. દર્શનાર્થીઓ દ્વારા ફૂલ નહીં તો ફુલની પાંખડી રૂપે આ મનોદિવ્યાંગ બાળકોને નાની-મોટી આર્થિક મદદ કરવામાં આવી હતી.











































