લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાના અથાગ પ્રયાસોથી તાલુકાના ભીંગરા,આસોદર,હરીપર માર્ગ પર રૂ. ૮૫ લાખના ખર્ચે નવો પુલ મંજુર કરવામાં આવ્યો છે. આ પુલના નિર્માણથી વર્ષો જૂની જનતાની માંગ પૂર્ણ થવા જઈ રહી છે અને આસપાસના અનેક ગામોના લોકોને મોટા પ્રમાણમાં લાભ મળશે. આ માર્ગ પર વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર વારંવાર અટકી જતો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો તથા રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા પુલના નિર્માણથી હવે બારમાસી વાહન વ્યવહાર સરળ બનશે અને લોકો સુરક્ષિત રીતે આવનજાવન કરી શકશે. ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મજબૂત રસ્તા અને પુલો અત્યંત આવશ્યક છે. જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ પુલ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા આનંદની લાગણી થાય છે. આગામી સમયમાં પણ લાઠી તાલુકાના દરેક ગામ સુધી વિકાસ પહોંચાડવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.” આ પુલના નિર્માણથી ભીંગરાડ,આસોદર,હરીપર સહિત આસપાસના અનેક ગામોના ખેડૂતોને પોતાના ખેતઉપજ બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે જ આરોગ્ય સેવા, શૈક્ષણિક સુવિધા અને વેપાર-ધંધામાં પણ નોંધપાત્ર સુધારો થશે.









































