લાઠી તાલુકાના ભટ્ટવદર ગામે ખેતરમાં વન્ય પ્રાણીઓથી પાકના રક્ષણ માટે મુકવામાં આવેલા ઝટકા મશીનનો જોરદાર કરંટ લાગતા એક છ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતે વાયરને અડી જવાથી લાગેલો ઝટકો જીવલેણ સાબિત થયો હતો. આ અંગે મૂળ છોટાઉદેપુરના ચોસલી ફળીયુંના રહેવાસી અને ભટ્ટદર ગામે વાડીએ રહેતા રાકેશભાઈ જયંતિભાઇ ભીલ (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, વાડીના શેઢા પર પાકના રક્ષણ માટે ઝટકા મશીન લગાડવામાં આવ્યું હતું. તેમના પુત્ર જસવંતભાઇ ભીલ (ઉ.વ.૦૬)નો હાથ ઝટકા મશીનના લાઈવ વાયરને અડી ગયો હતો. વાયરમાંથી જોરદાર કરંટ લાગતા તે વાયર પર જ ફસડાઈ પડ્‌યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.