અમરેલી જિલ્લાના લાઠી શહેરના નારાયણનગર વિસ્તારમાં લગ્નના નામે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ફૂલહાર લગ્ન કરાવ્યા બાદ નક્કી કરેલી રકમ પરત ન આપી વિશ્વાસઘાત કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ અંગે નાગજીભાઇ મયજીભાઇ વાતમા (ઉ.વ.૭૦) એ સુરતમાં રહેતા પ્રકાશભાઇ કાળુભાઇ મીર, હેમા દેવી તથા હેમા દેવીના મામા આશીષભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, નાગજીભાઈ વાતમાએ પોતાના દીકરા સંજયભાઈના ફૂલહાર લગ્ન કરાવવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આ લગ્નના ખર્ચ પેટે ફરિયાદીએ આરોપીઓને કુલ રૂ.૧,૭૦,૦૦૦ ચૂકવ્યા હતા. લગ્ન બાદ કોઈ કારણોસર ફૂલહાર લગ્નના છૂટાછેડા કરી લેવામાં આવ્યા હતા. તે સમયે આરોપીઓએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તેઓ લગ્ન પેટે લીધેલા તમામ રૂપિયા પરત કરી દેશે. જોકે, વારંવારની ઉઘરાણી બાદ આરોપીઓએ માત્ર રૂ.૩૦,૦૦૦ પરત આપ્યા હતા. બાકી નીકળતા રૂ.૧,૪૦,૦૦૦ પરત માંગતા આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા અને નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. આમ, લગ્નના બહાને નાણાં પડાવી લઈ, પરસ્પર મિલીભગત કરી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો છે. આ મામલે ફરિયાદીએ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








































