લાઠી તાલુકાના ટોડા ગામ પાસે બુધવારના રોજ વહેલી સવારે ૦૫ઃ૩૦ કલાકે બોલેરો પિકઅપ (ય્ત્ન ૧૪ ઠ ૭૧૯૦) અને ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મનોજભાઈ ચાવડા નામનો એક વ્યક્તિ વાહનમાં ફસાયો હોવાની જાણ ૧૧૨ ઇમરજન્સી સર્વિસ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર સ્ટાફના આનંદભાઈ જાની, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા અને જયદીપભાઈ ઈસોટીયાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગાડીમાં ફસાયેલા મનોજભાઈ ચાવડાને બહાર કાઢીને ૧૦૮ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.