લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા સાથે જોડવાના હેતુસર આંબરડી-ઢસા માર્ગના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજે ૨.૫૦ કરોડના ખર્ચે હાથ ધરનાર આ મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટથી વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી, જેમાં તાલુકાના આગેવાનો, વિવિધ ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધ છે અને માર્ગ સુવિધા એ શિક્ષણ, આરોગ્ય તથા કૃષિ વિકાસ માટેની મુખ્ય કડી છે. આંબરડી-ઢસા માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી, જે હવે રીસર્ફેસીંગ બાદ સુરક્ષિત અને સુગમ બનશે. આ માર્ગ કૃષિ આધારિત વિસ્તારને મુખ્ય બજારો સાથે જોડતો હોવાથી ખેડૂતોને ઉપજ પહોંચાડવામાં સરળતા રહેશે, વાહન ખર્ચ ઘટશે અને સમયની બચત થશે. આ ઉપરાંત, રોજગાર અને શિક્ષણ માટે આવનજાવન કરતા યુવાનોને પણ આ રસ્તાથી વિશેષ ફાયદો થશે. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ આ લોકહિતના કાર્ય આભાર વ્યક્ત કર્યો હતો.