ભરૂચ અને ખેડા જિલ્લામાંથી બકરા અને પશુ ચોરી તેમજ લૂંટ કેસમાં ઝડપાઈ ચૂકેલા રિઢા ગુનેગાર બિશાલ યાદવ વિદેશી પક્ષીઓની ચોરીના કેસમાં ધરપકડ થઈ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી પેટ શોપમાંથી ૧૫ લાખના કિંમતી વિદેશી પક્ષીઓ ચોરાતા સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગુનાનો ભેદ ઉકેલવા મથામણમાં લાગી હતી. દરમિયાનમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે મુખ્ય આરોપી અને ચોરાયેલાં વિદેશી પક્ષીઓ શોધી લાવી છે.
અમદાવાદના જુહાપુરામાં રોયલ અકબર ટાવરની સામે આવેલી અલસુગરા પેટ શોપમાંથી ગત સોમવારની રાતથી મંગળવારની સવાર દરમિયાન ચોરી થઈ હતી. દુકાનનું શટર ઉંચું કરીને પ્રવેશ કરેલા શખ્સો પાંજરામાં રહેલાં પક્ષીઓ પૈકી ઉંચી કિંમતના ૧૧ વિદેશી પક્ષીઓ તેમજ રોકડ ૨૪૦૦ રૂપિયાની ચોરી કરી હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ચોરી થયેલાં પક્ષીઓમાં એક-એક ગ્રીન વીંગ મકાઉ મોલુકન કાંકાટુ ગલેરિટા કાંકાટુ વ્હાઇટ અમ્બ્રેલા કાંકાટુ ,બબ્બે આફ્રિકન ગ્રે એકલેટસ પેરોટ અને ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉનો સમાવેશ થાય છે.
પશુ ચોરીના કેસોમાં જેલવાસ ભોગવી ચૂકેલા બિશાલ ચંદ્રેશ્વરરાય યાદવે (રહે. કિડની હોસ્પિટલ સામે, નડિયાદ અને મૂળ રહે. બિહાર) મોબાઈલ ફોનમાં એક રીલ જાઈ હતી. અલસુગરા પેટ શોપમાં બનાવાયેલી રીલમાં લાખોની કિંમતના વિદેશી પક્ષીઓ જાતા તેની દાઢ સળકી હતી. બિશાલના લગ્ન દિવાળી સમયે લેવાના હોવાથી તેણે ચોરી કરવા સાથીદાર ભીખા અને બીટ્ટુને પણ રીલ બતાવી તેમને સામેલ કર્યા.
બિશાલ યાદવે ચોરીના વીસેક દિવસ અગાઉ જુહાપુરાની અલસુગરા પેટ શોપ ખાતે રેકી કરી હતી. રેકી દરમિયાન દુકાનમાં રહેલા દેશી-વિદેશી પક્ષીઓની કિંમત જાણી લીધી હતી. ગત સોમવારની મોડી રાતે કાર લઈને બિશાલ તેના સાગરીતો સાથે આવ્યો હતો અને દુકાનમાં રહેલાં લાખોની કિંમતના ૧૧ વિદેશી પક્ષીઓ ચોરી કર્યા હતા. ૧૫ લાખ રૂપિયાની કિંમતના ૧૧ પક્ષીઓ ચોરી કર્યા બાદ બિશાલ યાદવ પિંજરાઓ નડિયાદ ખાતેના ભાડાના રૂમમાં લઈ ગયો હતો. વિદેશી પક્ષીઓના અવાજથી આસપાસમાં રહેતા બાળકો બિશાલ યાદવના ઘરે અવારનવાર આવવા લાગ્યાં હતાં. પક્ષી ચોરીની જાણ કોઈને થઈ જાય તેવા ડરથી તે પોતાની કારમાં પિંજરા મુકી વેચવા ફરતો હતો.
અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કાન્સ્ટેબલ વિપુલ પટેલને માહિતી મળી હતી કે, પશુ ચોરીના ગુનાનો આરોપી બિશાલ યાદવ અમદાવાદ ખાતે થયેલી વિદેશી પક્ષીઓની ચોરીમાં સામેલ છે. આ માહિતી તેમણે પીઆઈ આર. એન. કરમટીયાને આપતાં બિશાલ યાદવને શોધી કાઢવામાં આવ્યો. કારમાં જઈ રહેલાં બિશાલને ટીમ એલસીબીએ પકડ્યો ત્યારે તેની પાછળના ભાગે પિંજરામાં રહેલા તમામ વિદેશી પક્ષીઓ પણ મળી આવ્યાં હતાં. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં ભરૂચ જિલ્લામાં થયેલી લાખો રૂપિયાના બકરા ચોરીના કેસનો ભેદ ઉકેલી ગ્રામ્ય એલસીબીએ બિશાલ યાદવને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.