લખીમપુર ખીરીના તિકોનિયામાં થયેલી હિંસા કેસમાં મંગળવાર (૬ ડિસેમ્બર) ના રોજ આશીષ મિશ્રા સહિત ૧૪ આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડવામાં આવ્યા છે. આશીષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જિલ્લા વહીવટી વકીલ અરવિંદ ત્રિપાઠીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે એડિશનલ જિલ્લા ન્યાયાધીશ સુનીલ કુમાર વર્માની અદાલતમાં તિકોનિયા કાંડ કેસમાં આશીષ મિશ્રા સહિત ૧૪ આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
ત્રિપાઠીએ જણાવ્યું કે જે આરોપીઓ પર આરોપ નક્કી થયા તેમાં આશીષ મિશ્રાની સાથે-સાથે અંકિત દાસ, નંદન સિંહ બિષ્ટ, લતીફ કાલે, સત્યમ ઉર્ફે સત્ય પ્રકાશ ત્રિપાઠી, શેખર ભારતી, સુમિત જાયસવાલ, આશીષ પાંડે, લવકુશ રાણા, શિશુપાલ ઉલ્લાસ કુમાર ઉર્ફે મોહિત ત્રિવેદી, રિંકૂ રાણા, વીરેન્દ્ર શુક્લા અને ધર્મેન્ટ્ર બંજારા સામેલ છે.
તેમણે જણાવ્યું કે વીરેન્દ્ર શુક્લા પર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૦૧ હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. બાકી આરોપીઓ પર આઈપીસીની કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૦૭, ૩૨૬, ૪૨૭ અને ૧૨૦ (ખ) અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. ત્રિપાઠીએ જણાવ્યું કે આ સિવાય આશીષ મિશ્રા, અંકિત દાસ, નંદન સિંહ બિષ્ટ, સત્ય પ્રકાશ ત્રિપાઠી, લતીફ કાલે અને સુમિત જાયસવાલ વિરુદ્ધ શસ્ત્રઅધિનિયમ હેઠળ પણ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, કોર્ટો ફરિયાદી પક્ષને આગામી ૧૬ ડિસેમ્બરે કોર્ટમાં પૂરાવા રજૂ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણ ઓક્ટોબર ૨૦૨૧ના નિધાસન ક્ષેત્રના તિકોનિયા ગામમાં કિસાનોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ચાર કિસાનો સહિત કુલ ૮ લોકોના મોત થયા હતા. આ મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.