ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઓલિમ્પિકના આયોજન અંતર્ગત લંડનના પ્રવાસે હતા. પરંતું ગાંધીનગર પરત ફરતા જ તેમણે તાત્કાલિક બેઠક બોલાવી હતી.આઇપીએસ અધિકારીઓ ના આંતરીખ વિખવાદનો મુદ્દો સામે આવતા જ તેમણે તાબડતોબ  બેઠક બોલાવી હતી.

આજે ડીજીપી વિકાસ સહાય, રાજકુમાર પાંડિયન અને નિર્લિપ્ય રાયને હર્ષ સંઘવીનું તેડું આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર,આઇપીએસ અધિકારીઓના આંતરીખ વિખવાદ મુદ્દે આ બેઠક યોજાઈ હતી.ડીજીપી વિકાસ સહાય,એડીજીપી રાજ કુમાર પાંડિયન,એસએમસી વડા નિર્લિપ્ત રાય ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા.ડીજીપીની સૂચનાથી એસએમસીએ સીઆઇડી ક્રાઇમની અરજીઓની તપાસ કરી હતી. સિનિયર આઇપીએસ અધિકારીઓના વિખવાદના કારણે વિવાદ થયો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લંડનના પ્રવાસે હતા. એક સપ્તાહના આ પ્રવાસ દરમિયાન એક આઇપીએસ અધિકારીએ ખેલ પાડ્યાની ચર્ચા ગૃહ વિભાગ અને સચિવાલયમાં થઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય પણ ન બની હોય તેવી ઘટના બની. પોલીસ વિભાગની એક એજન્સી દ્વારા પોલીસ વિભાગની જ બીજી એજન્સીની કચેરીએ રેડ પાડવામાં આવી. આ રેડ બાદ પીએસઆઇ કક્ષાના એક અધિકારીને સસ્પેન્ડ કરાયો. જોકે આ રેડ અરજીઓ દબાઈ રાખવા અને તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાની વાત અત્યારે ચર્ચા રહી છે. જોકે સાચી વાસ્તવિકતા આઇપીએસ અધિકારીઓ વચ્ચેની લડાઈ અને અહમનો ટકરાવો કારણભૂત હોવાનું માનવામાં આવે છે.સીઆઇડી ક્રાઇમ ચાર્જમાં ચાલે છે. મૂળ કારણ આમાં છુપાયું હોવાની વાત પણ ગૃહ વિભાગમાં ચર્ચા રહી છે. જે દિવસે રેડ પાડવામાં આવી અને પીએસઆઇને સસ્પેન્ડ કરાયો તે દિવસના એક દિવસ અગાઉ સીઆઇડી ક્રાઇમના ટોચના તમામ અધિકારીઓએ મુખ્યમંત્રી કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. અરજી દબાઈ રાખવી, સમયે અરજી કાઢવી અને તેનો ઉપયોગ કરવો તે સીઆઇડી ક્રાઇમ કે પોલીસ માટે નવું નથી. તો પછી પોલીસ વિભાગની જ અન્ય એજન્સી પર રેડ કરવી તે નવો ચીલો પાડવામાં આવ્યો. જે ભવિષ્યમાં પોલીસ તંત્ર માટે જ ઘાતક પુરાવા થઈ શકે.