શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન તરીકેની તેની પહેલી જ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૨-૨ થી ડ્રો સાથે સમાપ્ત કરી. કેપ્ટનશીપની સાથે, તેણે આ શ્રેણીમાં બેટથી ઘણા રન પણ બનાવ્યા. આ જ કારણ છે કે ગિલની કેપ્ટનશીપની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ થઈ રહી છે. દરમિયાન, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું છે કે શુભમન ગિલને આગળ જતાં વનડે ટીમની કેપ્ટનશીપ મળશે.
પોતાની યુટ્યુબ ચેનલ પર, મોહમ્મદ કૈફે કહ્યું કે ગિલને વનડેની કેપ્ટનશીપ પણ મળશે કારણ કે અમને ખબર નથી કે રોહિત શર્મા કેટલો સમય વનડે કેપ્ટન રહેશે. ગિલ કેપ્ટનશીપ સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રન બનાવે છે. તેણે ટેસ્ટ મેચોમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે અને ટીમને આગળ ધપાવી છે. જ્યારે તમે યુવા ટીમ સાથે રમો છો, ત્યારે તમારે બંને કામ કરવા પડે છે. તમારે બેટથી રન બનાવવા પડે છે અને કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરવું પડે છે. એકંદરે ગિલ માટે આ એક શાનદાર પ્રવાસ હતો.
કૈફ માને છે કે ગિલે યુવા ટીમ સાથે ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેણે કહ્યું છે કે કેપ્ટન તરીકે, શુભમન ગિલે આ શ્રેણીમાં બંને હાથે તકોનો લાભ લીધો. જ્યારે તે કેપ્ટન બન્યો, ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા કે તેના ટેસ્ટ રેકોર્ડને જાતાં તેને કેપ્ટનશીપ કેમ મળી. એક યુવાન કેપ્ટન, એક યુવાન ટીમ સાથે, ભારે દબાણ હેઠળ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે પહોંચ્યો. તેણે આનો જવાબ પોતાના બેટથી આપ્યો અને એક સમય એવો આવ્યો જ્યારે તેની સરખામણી સર ડોન બ્રેડમેનના રેકોર્ડ તોડવા સાથે કરવામાં આવી. આ પ્રવાસ પર, ઇંગ્લેન્ડના બોલરો તેમની સામે લાચાર દેખાતા હતા.
શુભમન ગિલ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ બેટ્સમેન તરીકે પણ ખૂબ સારો રહ્યો છે. તેણે પાંચ મેચની ૧૦ ઇનિંગ્સમાં ૭૫.૪ ની સરેરાશથી ૭૫૪ રન બનાવ્યા. આ પ્રવાસ પર, તેણે બેવડી સદી સહિત કુલ ૪ સદી ફટકારી. તેણે બ‹મગહામમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ૨૬૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી અને આ ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. તે આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.