કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા. બ્રિટિશ આર્મ્સ કન્સલ્ટન્ટ સંજય ભંડારી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ વાડ્રાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.૫૬ વર્ષીય વાડ્રા સવારે ૧૧ વાગ્યા પછી મધ્ય દિલ્હીમાં ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની ઓફિસ પહોંચ્યા. તેમની સાથે કેરળની વાયનાડ લોકસભા બેઠકના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. ગયા મહિને એજન્સી દ્વારા રોબર્ટ વાડ્રાને તેમનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે વિદેશ પ્રવાસને કારણે તેમના સમન્સ મુલતવી રાખવા વિનંતી કરી હતી.

કેન્દ્રીય તપાસ એજન્સી તેમની પૂછપરછ ત્રણ અલગ અલગ મની લોન્ડરિંગ કેસોમાં કરી રહી છે, જેમાં આ કેસનો પણ સમાવેશ થાય છે. અન્ય બે કેસ જમીન સોદાઓમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત છે. ૨૦૧૬ માં આવકવેરા વિભાગે દિલ્હીમાં દરોડા પાડ્યા પછી તરત જ ૬૩ વર્ષીય ભંડારી લંડન ભાગી ગયા હતા. તાજેતરમાં, દિલ્હીની એક કોર્ટે તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યા છે.

ગયા મહિનાની શરૂઆતમાં, ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા પછી પણ તેઓ સુનાવણી માટે હાજર થયા ન હતા. આનું કારણ તેમનું વિદેશ હોવાનું કહેવાય છે. અગાઉ, ઈડીએ વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તેની ઓફિસમાં બોલાવ્યા હતા. આ કેસ યુકે સ્થિત શસ્ત્ર વેપારી સંજય ભંડારી સાથે સંબંધિત છે. આ કેસની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાલી રહી છે.

એપ્રિલમાં ઈડી દ્વારા વાડ્રાની સતત ત્રણ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ હરિયાણામાં ૨૦૦૮માં થયેલા જમીન સોદામાં કથિત ગેરરીતિઓ સંબંધિત અન્ય મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી. ઈડ્ઢ તપાસ હેઠળ રોબર્ટ વાડ્રા કુલ ત્રણ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે.

સંજય ભંડારી એક હથિયાર વેપારી છે જે ૨૦૧૬માં દિલ્હીમાં આવકવેરા વિભાગના દરોડા પછી લંડન ભાગી ગયો હતો. તાજેતરમાં, એક બ્રિટિશ કોર્ટે ભંડારીના પ્રત્યાર્પણ સંબંધિત કેસને યુકે સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની પરવાનગી માંગતી ભારત સરકારની અરજીને ફગાવી દીધી હતી. આ પછી, ભંડારીને ભારત લાવવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

ઈડીએ ૨૦૨૩માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં આરોપ છે કે ભંડારીએ ૨૦૦૯માં લંડનમાં એક ઘર ખરીદ્યું હતું અને રોબર્ટ વાડ્રાના નિર્દેશો અનુસાર તેનું નવીનીકરણ કરાવ્યું હતું. એજન્સીનો દાવો છે કે વાડ્રાએ આ નવીનીકરણ માટે પૈસા આપ્યા હતા. રોબર્ટ વાડ્રાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની પાસે લંડનમાં કોઈ મિલકત નથી. આ આરોપો અંગે તેમણે કહ્યું કે રાજકીય હેતુઓ માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.