રોબર્ટ વાડ્રા જેલમાં જશે? હરિયાણામાં જમીનના સોદામાં ભ્રષ્ટાચારના કેસમાં રાહુલ ગાંધીના સૂટેડ-બૂટેડ જીજાજી રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ થતાં જ આ સવાલ ફરી પૂછાઈ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૦૮માં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના શિકોપુર ગામમાં ૩.૫ એકર જમીન ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ નામની કંપની પાસેથી ખરીદી હતી. જમીનનો ૭.૫ કરોડ રૂપિયામાં સોદો થયેલો.
હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા મુખ્યમંત્રી હતા તેથી વાડ્રાની કંપનીને તાત્કાલિક જમીન ટ્રાન્સફર કરી દેવાઈ. જમીન ખરીદીના એક મહિના પછી વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીને ૨.૭ એકર જમીન પર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવવાની મંજૂરી પણ આપી દેવાઈ. આ મંજૂરીના ૨ મહિના પછી જૂન ૨૦૦૮માં સ્કાયલાઈટે આ જમીન ડીએલએફને ૫૮ કરોડ રૂપિયામાં વેચીને રોકડી કરી લીધી. જમીનના દસ્તાવેજ પ્રમાણે જ માત્ર ૪ મહિનામાં ૭૦૦ ટકાથી વધુ ભાવે વધી ગયા હતા.
હુડ્ડા સરકારે ૨૦૧૨માં રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું લાયસન્સ ડીએલએફને ટ્રાન્સફર કર્યું ત્યારે હરિયાણા સરકારના લેન્ડ રજિસ્ટ્રેશન ડિરેક્ટર અશોક ખેમકાએ જમીનની માલિકીની ટ્રાન્સફર રદ કરી તેમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો. છેલ્લાં ૧૩ વર્ષથી આ મુદ્દો ચગેલો છે પણ વાત હજુ ચાર્જશીટ સુધી જ પહોંચી છે. હરિયાણામાં ભાજપની સરકાર આવી પછી ૨૦૧૮માં હરિયાણા પોલીસે રોબર્ટ વાડ્રા, ભૂપેન્દ્ર હુડા, ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે એફઆઈઆર નોંધેલી પણ બીજું કશું થયું નહોતું. હવે ૭ વર્ષ પછી ચાર્જશીટ દાખલ થતાં રોબર્ટ વાડ્રાના જેલયોગ આવી ગયા કે શું એવી ચર્ચા થવી સ્વાભાવિક છે.

વાડ્રા સામે રાજસ્થાનમાં પણ જમીન સોદામાં ભ્રષ્ટાચારનો કેસ છે. અશોક ગેહલોતે વાડ્રાની કંપનીને આર્મી માટે સંપાદિત જમીન આપીને ભ્રષ્ટાચાર કર્યો છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલા પોખરણમાં ભારતીય લશ્કરના જવાનોને ગોળીબારની પ્રેક્ટિસ માટે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બનાવાઈ છે. પાકિસ્તાન સાથેની સરહદની નજીક આવેલી મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ભારતીય લશ્કરની આ સૌથી જૂની ફાયરિંગ રેન્જ છે. આ રેન્જ બનાવવા મોટા પ્રમાણમાં જમીનનું સંપાદન કરાયું હતું. વિસ્થાપિત પરિવારોને બિકાનેર જિલ્લામાં કોલાયત વિસ્તારમાં જમીન ફાળવાઈ હતી. આ ફાળવણી ૧૯૯૨થી ૧૯૯૬ના સમયગાળામાં કરાયેલી. વાડ્રાની કંપનીએ ફાયરિંગ રેન્જના વિસ્થાપિતો માટેની જમીનમાંથી ૩૭૪.૪૪ હેક્ટર જમીન ગોટાળા કરીને લઈ લીધી હોવાનો કેસ છે.
આ ભ્રષ્ટાચાર કરાયો ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા. ગેહલોતે નિયમોની ઐસીતૈસી કરીને વાડ્રાને જમીન ફાળવી દીધી. પહેલા વાડ્રાની કંપનીના નામે જમીન અપાઈ અને પછી વાડ્રાએ પોતાના મળતિયાઓના નામે જમીનો ટ્રાન્સફર કરાવી દીધેલી.
રાજસ્થાનમાં ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં વસુંધરા રાજે આ મુદ્દો ઉઠાવેલો. તેની અસર પડી ને અશોક ગેહલોત ઘરભેગા થઈ ગયા તેથી વસુંધરા પાસે પગલાં લીધા વિના છૂટકો નહોતો. વસુંધરાએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સુધી કશું ના કર્યું પણ લોકસભાની ચૂંટણીમાં પાછો આ મુદ્દો ઉઠાવ્યો. કેન્દ્રની કોંગ્રેસની સરકારના ઈશારે તપાસમાં કેન્દ્રની એજન્સીઓ રોડાં નાંખે છે એવા આક્ષેપ પણ કર્યા.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતતાં વસુંધરા પાસે કોઈ બહાનું ના રહ્યું. એટલે તેમણે ચૂંટણી પછી વાડ્રા સામે તપાસની જાહેરાત કરાવી. બિકાનેર જિલ્લામાં કોલાયતનાં ૩૪ ગામોમાં વાડ્રાની કંપનીને જમીન ફાળવાયેલી. તેમાંથી ૧૮ ઠેકાણે પોલીસ ફરિયાદ કરાવાઈ. પહેલાં રાજીખુશીથી જમીનો ટ્રાન્સફર કરી આપનારા તલાટીઓએ જ ફરિયાદ નોંધાવી કે, જમીન માફિયાઓએ ખોટા દસ્તાવેજોના આધારે આ જમીનો મેળવી છે. અલબત્ત આ ફરિયાદોમાં પણ વાડ્રા કે તેની કંપનીના નામનો ઉલ્લેખ નહોતો તેથી વાડ્રાને કશું ના થયું. જાન્યુઆરી, ૨૦૧૫માં વાડ્રાની કંપની અને તેમના મળતિયાઓને કરાયેલી જમીનની ટ્રાન્સફર એટલે કે મ્યુટેશન રદ કરાયું. ઈડીએ ૨૦૧૫માં જ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો પણ આ કેસમાં પણ કશું નક્કર થયું નથી.

વાડ્રા સામે બીજા પણ કેસ છે. યુ.કે.માં વાડ્રાએ ઢગલાબંધ પ્રોપર્ટી ખરીદી હોવાનું કહેવાય છે. શસ્ત્રોની દલાલી કરી ખાતા સંજય ભંડારી મારફતે વાડ્રાએ યુ.કે.માં કુલ ૧.૨૦ લાખ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૧૪૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હોવાનો કેસ ઈડીએ નોંધ્યો છે.
લંડનના બ્રિસ્ટલ સ્કેવેરમાં આવેલી લગભગ ૧૯ લાખ પાઉન્ડ એટલે કે ૨૨ કરોડ રૂપિયાની આસપાસની પ્રોપર્ટી સત્તાવાર રીતે વાડ્રાએ ખરીદી હોવાનું બતાવાયું છે. ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીનું કહેવું છે કે, વાસ્તવમાં કોંગ્રેસ શાસનમાં વાડ્રાએ ભંડારીને કરેલી મદદના બદલામાં ભંડારીએ આ સંપત્તિ વાડ્રાને ભેટમાં આપી છે. આ સિવાય ૪૦ લાખ પાઉન્ડ એટલે કે લગભગ રૂપિયા ૪૫ કરોડની બીજી બે સંપત્તિ તેમજ ૫૦ લાખ પાઉન્ડ એટલે કે લગભગ રૂપિયા ૫૮ કરોડ રૂપિયાના બીજા છ ફ્‌લેટ વાડ્રાએ ભંડારી પાસેથી ૨૦૦૮થી ૨૦૧૦ના ગાળામાં લીધા હોવાનો સરકારી એજન્સીઓનો દાવો છે. આ પ્રોપર્ટીના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.)એ વાડ્રા સામે ૨૦૧૮માં કેસ નોંધ્યો હતો. પછી ઈન્કમટેક્સ વિભાગે પણ કેસ નોંધ્યો પણ આ કેસમાં પણ કશું થયું નથી.
સંજય ભંડારી ઓફસેટ ઈન્ડિયા સોલ્યુશન્સ નામની કંપનીનો માલિક છે. સંરક્ષણ સોદાઓમાં દલાલી કરી ખાતા ભંડારીએ ૨૦૦૮માં એક લાખ રૂપિયાની મૂડીથી કંપની શરૂ કરેલી ને પછી અચાનક કરોડોમાં રમતો થઈ ગયો. ૨૦૦૯થી ૨૦૧૪ના ગાળામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભંડારીએ ૩૫ બોગસ કંપનીઓ બનાવીને કરોડોનાં કૌભાંડ કરેલાં. ભંડારીએ વાડ્રાને સાધીને અબજોની ખાયકી કરી હોવાના આક્ષેપ ભાજપ ૨૦૧૪મા સત્તામાં નહોતો આવ્યો ત્યારથી કરે છે પણ સતામાં આવ્યા પછી આ કેસોમાં કશું નક્કર પરિણામ નથી લાવી શક્યો. બલ્કે ૨૦૧૬માં ભાજપ શાસનમાં ભંડારીની કંપનીને રાફેલ જેટ ફાઈટર બનાવતી દાસો એવિએશન પાસેથી કોન્ટ્રાક્ટ મળ્યો છે. દાસો ભારતને ૩૮ કોમ્બેટ એરક્રાફ્‌ટ આપવાની છે. તેના પાટ્‌ર્સ ભંડારીની કંપની આપી રહી છે.

ભાજપ વાડ્રાનો મુદ્દો ૨૦૧૨થી ચગાવે છે. ૨૦૧૨માં હરિયાણા કેડરના આઈએએસ અધિકારી અશોક ખેમકાએ વાડ્રાની કંપનીને જમીન ટ્રાન્સફર રદ કરી ત્યારે વાડ્રા અચાનક લાઈમલાઈટમાં આવી ગયા હતા. ભાજપે ખેમકાને પ્રમાણિક અધિકારી ગણાવીને તેમની ટ્રાન્સફર સામે હોહા કરી મૂકેલી પણ પોતાની સત્તા આવી પછી ખેમકા સાથે એ જ વ્યવહાર કર્યો પણ વાડ્રાને સજા અપાવી નથી.
ડિસેમ્બર ૨૦૧૩માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપે રાજસ્થાનમાં વાડ્રાએ કરેલાં જમીનોનાં કૌભાંડના મુદ્દાને ચગાવ્યો હતો. આ વાતને ૧૨ વર્ષ થઈ ગયાં અને બે વાર ભાજપ સત્તામાં આવી ગયો પણ ભાજપે વાડ્રાનો વાળ સુધ્ધાં વાંકો કર્યો નથી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વચન આપેલું કે, પોતે સત્તામાં આવશે તો વાડ્રાનાં ભ્રષ્ટાચારની તપાસ કરાવશે પણ ચૂંટણીમાં જીતતાં જ ભાજપ આખી વાતને ભૂલી ગયેલો.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી પોતે કોંગ્રેસ પર પ્રહારો કરવા રાહુલ ગાંધીના ‘સૂટેડ બૂટેડ જીજાજી’ની વાત કરતા. ઉમા ભારતી તો ફોર્મમાં આવીને કહેતાં હતાં કે, આપણે ત્યાં ભ્રષ્ટ જમાઈઓને હાથીના પગ નીચે કચડીને મારી નાખવાની પ્રથા છે, અમે સત્તામાં આવીશું તો વાડ્રાની પણ એ જ હાલત કરીશું. મોદીએ પણ સત્તામાં આવતાં જ ભાજપ વાડ્રાને સજા કરાવશે એવું ગાજર લટકાવી દીધેલું.
લોકસભાની ચૂંટણી પતી એટલે ભાજપ વાડ્રાને ભૂલી ગયો. ભાજપ એ પછી વિધાનસભાઓની ચૂંટણી આવે કે ભીડમાં આવી પડે ત્યારે વાડ્રાને યાદ કરી લે છે પણ કોઈ નક્કર પગલાં લેતો નથી. આઘાતની વાત એ છે કે, વાડ્રા વિરૂદ્ધ નક્કર પુરાવા હોવા છતાં ભાજપ સરકાર કશું કરતી નથી. ૨૦૧૫માં દેશના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં હરિયાણામાં કોંગ્રેસના ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સરકાર વખતે થયેલા જમીનોના સોદામાં બિલ્ડરોને લાભ ખટાવવા વાડ્રાની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી સહિતની કંપનીઓને કઈ રીતે બેઉ હાથે ખેરાતો કરાયેલી તેનો ભાંડો ફોડાયો હતો. ભાજપ આ અહેવાલના આધારે વાડ્રાને ઉઠાવીને અંદર કરી શકે તેમ હતો પણ ૧૦ વર્ષમાં ભાજપે કશું કર્યું નથી. વાડ્રા સામે કોઈ કેસમાં ભાજપ સરકારે કશું કર્યું નથી એ જોતા વાડ્રાને સજા અપાવવામાં નહીં પણ મુદ્દાને સળગતો રાખવામાં રસ છે એવું લાગે છે. sanjogpurti@gmail.com