એક વખત પ્રાણીઓએ રેલગાડીમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. બધાંએ ભેગા મળીને લાંબી સફરે જવાનું આયોજન કર્યું. હાથીભાઈએ ડબ્બાની જવાબદારી લીધી. સિંહ રાજાએ ટિકિટ તપાસવાનું કામ સંભાળ્યું. મોર અને પોપટે ડબ્બા સજાવ્યા. વાંદરા અને સસલાએ બધાને આરામથી બેસાડવાનું કામ સંભાળ્યું.
એકપછી એક બધા પ્રાણીઓ ડબ્બામાં ગોઠવાયા. થોડીવારમાં રેલગાડીની વ્હીસલ વાગી. ધીમે ધીમે રેલગાડી ઊપડી. છૂક… છૂક… છૂક… બધા પ્રાણીઓ આનંદમાં ગીત ગાવા લાગ્યા, “છૂક… છૂક… છૂક… રેલગાડી જાય દૂર.. દૂર.. દૂર !”
જિરાફે બહાર લાંબી ડોક કરીને જોયું, “વાહ! અહીં તો સુંદર લીલુંછમ ઘાસ છે ને ઊંચા ઊંચા પહાડ છે!” સસલાએ કૂદીને કહ્યું, “અરે ઝિરાફભાઈ, હજુ તો આગળ એક સરસ નદી પણ આવશે!” વ્હીસલ વાગતી જાય ને રેલગાડી દોડતી જાય, ‘છૂક… છૂક… છૂક… છૂક… છૂક… છૂક…’ બધા પ્રાણીઓ ખુશ હતા.
અચાનક રેલગાડી અટકી. બધા પ્રાણીઓ વિચારમાં પડી ગયા. એવામાં સસલું અને વાંદરો કહે, “ચિંતા ન કરશો. અમે આમ ગયા ને આમ આવ્યા. ગાડી કેમ થંભી તે જોતા આવીએ.” સસલું ને વાંદરો કૂદાકૂદ કરતાં છેક આગળ પહોંચી ગયાં. જોયું તો એક મોટું ઝાડ પાટા પર પડી ગયું હતું. બધા વિચારમાં પડી ગયા, “અરે, હવે શું કરીએ ? ઝાડ હટશે કેમ ને રેલગાડી ચાલશે કેમ !”
ત્યાં હાથીભાઈ તરત બોલ્યા, “ચિંતા ન કરશો. ચાલો આપણે સાથે મળીને ઝાડને ખસેડીએ.” બધાએ ભેગા મળી તાકાત લગાવી. હાથીભાઈએ પોતાની લાંબી સૂંઢથી ઝાડને ખસેડવાનો પ્રયત્ન કર્યો. બીજા પ્રાણીઓએ પણ મદદ કરી. બધાએ સાથે મળીને આખરે ઝાડ ખસેડી નાખ્યું!
“હુર્રે!” બધા ઉત્સાહમાં કૂદી ઊઠ્‌યા ને પાછા ડબ્બામાં ગોઠવાયા. રેલગાડી ફરી છૂક… છૂક… છૂક… કરતી આગળ ચાલી. થોડા સમયમાં રેલગાડી એક સુંદર નદી પાસે પહોંચી. બધા પ્રાણીઓએ ત્યાં ઉતરી મોજ કરી. પાણીમાં તર્યાં, ગીત ગાયા અને ફરી પાછા રેલગાડીમાં પરત જંગલ તરફ વળ્યા.
મો. ૯૦૯૯૧૭૨૧૭૭