અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રેરણાથી સૌરાષ્ટ્ર સંભાગ ૧ અને ૨ દ્વારા આયોજિત વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટ અને માતૃશક્તિ સ્પોટ્ર્સ ડે ૨૦૨૬નો રીબડા સ્થિત SGVP ગુરુકુળ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ હુંબલે પ્રેરણાદાયી ઉદ્દબોધન આપ્યું હતું, જ્યારે જિલ્લા મહામંત્રી સાગરભાઈ પોપટે સમગ્ર આયોજનની રૂપરેખા આપી સંગઠનના સભ્યો દ્વારા છેલ્લા એક માસથી કરવામાં આવેલી તનતોડ મહેનતની પ્રશંસા કરી હતી. પ્રાંતમાંથી પધારેલા મહાનુભાવો દેવાયતભાઈ ભોળા અને હિતેશભાઈ ગોપાણીએ સંગઠનની કાર્યપ્રણાલી પર ભાર મૂકતા ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે આશિષભાઈ વેકરીયા દ્વારા કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાનો હાર્દિક શુભેચ્છા સંદેશ વાંચવામાં આવ્યો હતો, જેણે ખેલાડીઓનો ઉત્સાહ બેવડાવ્યો હતો. SGVP ગુરુકુળના ડાયરેક્ટર પૂજ્ય ધર્મવત્સલ દાસજી સ્વામીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શિક્ષણની સાથે સંસ્કાર અનિવાર્ય છે અને બાળકના સર્વાંગી વિકાસ માટે આવા આયોજનો ખૂબ જ જરૂરી છે. તેમણે શૈક્ષણિક મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌતમભાઈ હદવાણીએ કુશળતાપૂર્વક કર્યું હતું અને અંતમાં હિતેશભાઈ ભંડેરીએ આભારવિધિ કરી હતી. અંતે વંદે માતરમના ગાન સાથે રાષ્ટ્રભક્તિના માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.










































