ગાઝા પટ્ટીમાં રાહત કાર્યક્રમો ચલાવતી ઇઝરાયલ સમર્થિત યુએસ સંસ્થાએ બુધવારે જણાવ્યું હતું કે વિતરણ સ્થળ નજીક ૨૦ પેલેસ્ટીનિયનોના મોત થયા છે. હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં ૧૧ બાળકો સહિત ૪૧ લોકો માર્યા ગયા હતા.
ગાઝા હ્યુમેનિટેરિયન ફંડએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાં વિતરણ કેન્દ્ર નજીક ભાગદોડમાં કચડાઈને ૧૯ લોકો માર્યા ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું છરીથી હુમલો કરવામાં આવતા મૃત્યુ થયું હતું. સંગઠને આરોપ લગાવ્યો હતો કે હમાસે ભય અને મૂંઝવણ ફેલાવવાને કારણે હિંસા ફાટી નીકળી હતી. જો કે, તેણે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા પૂરા પાડ્યા નથી. સંગઠન સામાન્ય રીતે તેના વિતરણ કેન્દ્રો નજીક ખલેલને સ્વીકારતું નથી.
યુએન માનવાધિકાર કાર્યાલય અને ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મે મહિનાથી, મદદ મેળવવાનો પ્રયાસ કરતી વખતે લગભગ ૮૫૦ પેલેસ્ટીનિયનો મૃત્યુ પામ્યા છે. આમાં જીએફએચ વિતરણ સ્થળો અને અન્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે.
તે જ સમયે, ઇઝરાયલી હુમલાઓમાં ઉત્તરી ગાઝામાં ૧૧ બાળકો સહિત ૨૨ લોકોના મોત થયા. ખાન યુનુસ શહેરમાં ૧૯ અન્ય લોકોના મોત થયા. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૧૨૦ થી વધુ (હમાસ) લક્ષ્યોને નિશાન બનાવ્યા છે, જેમાં તેની ટનલ અને શસ્ત્રો સંગ્રહ કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઇઝરાયલ હમાસ પર નાગરિક વિસ્તારોની વચ્ચે તેના લશ્કરી માળખાને છુપાવવાનો આરોપ લગાવે છે.
ઇઝરાયલી સેનાએ ખાન યુનુસમાંથી પસાર થતો ચોથો કોરિડોર ખોલવાની જાહેરાત કરી. ઇઝરાયલી સૈનિકોએ અહીંની જમીન પર કબજા કરી લીધો છે. સેનાનું કહેવું છે કે આ હમાસ પર દબાણ લાવવાની વ્યૂહરચના છે. અગાઉ પણ આવા સાંકડા જમીન કોરિડોર યુદ્ધવિરામ વાટાઘાટોમાં મોટો અવરોધ બની ગયા છે, કારણ કે ઇઝરાયલ આ કોરિડોર પર તેની લશ્કરી હાજરી જાળવી રાખવા માંગે છે.
ખાદ્ય સુરક્ષા નિષ્ણાતો કહે છે કે ગાઝાના ૨૦ લાખથી વધુ પેલેસ્ટીનિયનો ભયંકર માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યા છે. હમાસે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ૨૧ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે ગાઝા પર બોમ્બમારો અને નાકાબંધી કરી છે, જેના કારણે ત્યાંના લોકો ભૂખમરાની અણી પર પહોંચી ગયા છે.