દામનગર પંથકમાં ખેતીકામની સીઝન વચ્ચે તસ્કરોએ માથું ઊંચક્યું છે. ભુરખિયા રોડ પર આવેલા મેમદા ગામની સીમમાં ખેડૂતની વાડીને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો ઇલેક્ટ્રિક મોટર અને કેબલ વાયરની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી.રાભડા ગામની સીમમાં હજીરાધાર ગામ તરફ પાકા રોડે કાંતિભાઇ ગોબરભાઇ મેરૂલીયા (ઉ.વ.૫૬) વાડીએ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ગુનાહિત પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ વાડીના દારમાં ઉતારેલી ૫ એચ.પી.ની ઇલેક્ટ્રિક મોટર (કિંમત રૂ. ૩૬,૦૦૦) અને ઇલેક્ટ્રિક બોર્ડથી મોટર સુધીનો અંદાજે ૬૦૦ ફૂટ લાંબો કેબલ વાયર (કિંમત રૂ. ૩૪,૦૦૦) મળી કુલ રૂ. ૭૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. સવારે ખેડૂત વાડીએ પહોંચતા ચોરીની જાણ થઈ હતી.ચોરીનો બીજો બનાવ મેમદા ગામના ભુરખિયા રોડ તરફની વાડીમાં બન્યો હતો. મેમદા ગામના માવજીભાઇ પુંજાભાઇ સોલંકી (ઉ.વ.૪૭) ની વાડીમાં ચોરોએ ઘુસી પાણી ખેંચવાની મોટરનો અંદાજે ૩૦૦ ફૂટ લાંબો ઇલેક્ટ્રિક કેબલ વાયર (કિંમત રૂ. ૧૦,૫૦૦) કાપીને ચોરી કરી લીધો હતો. બંને ઘટનમાં મળી કુલ રૂ.૮૦,૦૦૦થી વધુની મત્તાની ચોરી થઈ હતી. એક જ રાતમાં દામનગર પંથકના મેમદા ગામે થયેલી આ ચોરીઓને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોંઘા ભાવની મોટર અને કેબલની ચોરી થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્‌યો છે. ખેડૂતોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી હતી. દામનગર પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.