અમરેલીના જેસીંગપરા ખાતે નવા બની રહેલા બગસરા રોડના કામની ધીમી ગતિથી કંટાળીને સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો. છેલ્લા નવેક મહિનાથી ગોકળગાયની ગતિએ ચાલતા આ કામને કારણે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા વધી છે. અણઘડ ખોદકામ અને પાણીની લાઈનો તૂટવાથી રહીશો ભારે પરેશાન છે. લોકોના રોષને પગલે તંત્ર દોડતું થયું અને સમજાવટ બાદ રસ્તો ફરી ખોલવામાં આવ્યો. અમરેલી શહેરમાં ચાલતા આવા અણઘડ કામોથી લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા હતા. અત્રે નોંધનીય છે કે રાધેશ્યામ હોટલથી જેસીંગપરાના પુલ સુધી સીસીરોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે એકબાજુનો રસ્તો પુરો કર્યો નથી ત્યાં બીજી બાજુનો રસ્તો ખોદવામાં આવી રહ્યો છે. આમ, સ્થાનિકોનો રોષ જોતા તંત્રને પણ રેલો આવ્યો હતો.