કિશને બે વાર દરવાજા ખટખટાવ્યો પણ દરવાજા ખૂલ્યો નહીં એટલે ત્રીજી ફેર વધારે જાસથી દરવાજા ખટખટાવીને કિશને બૂમ પાડી: “માસી, ઓ તરૂમાસી…”
પછી દરવાજા તો ખૂલ્યો પણ દરવાજામાં તરૂમાસી નહોતા પણ સદ્યઃસ્નાતા સુરભિ ઊભી હતી. જેના ભીના માથાં ઉપર સુગંધી સાબુની અને શેમ્પુની સુગંધ કિશનનાં શ્વાસમાં સમાઇ વળી. ભીની ઝૂલ્ફો તેના પુષ્ટ ઉરબંધ ઉપર આમેતમ વિખરાયેલી પડી હતી અને તેમાંથી ટપ… ટપ… કરતા જલબિંદુઓ ટપકી રહ્યા હતા. પણ કિશનની બ્હાવરી આંખો તો તરૂમાસીને શોધી રહી હતી. “તરૂમાસી નથી ?” કિશન સુરભિને પૂછતો હતો. પણ સુરભિનું ધ્યાન કયાં હતું ? એની નજર તો કિશનના સુદ્દઢ શરીર ઉપર ટીકી ગઇ હતી. એ તો મન ભરીને કિશનને તાકી રહી હતી. “માસી નથી ? તને પૂછું છું ઓ બહેરી ?” કિશને તેની આંખો સામે હથેળી રાખીને હલાવી ત્યારે તે વર્તમાનમાં આવી.
“તને પૂછું છું…. તરૂમાસી નથી ?”
“તારા માસી નથી, તેની દીકરી છે. બોલ શું હતું ? ” સુરભિએ કૃત્રિમ છણકો કરીને કહ્યું: “કામ હોય એ બોલ !” “ કામ માસીને હતું, એમણે મમ્મીને કહયું હતું કે ક્રિકેટ રમીને કિશન આવે ત્યારે ઘરે મોકલજા. અત્યારે હું આવ્યો ત્યારે મમ્મીએ કહયું.”
“મને ખબર છે કે તારા માસીને તારૂં શું કામ પડયું હશે. પણ હું નહીં કહું. તરૂમાસીના દીકરા !” સુરભિએ છણકો કર્યો : “જા, તારા માસીને પૂછ, જો સામે રંજન માસીને ત્યાં ખુરશી લેવા માટે ગયા છે !” એમ કહી મોઢું ફૂંગરાવીને જતી રહી. પણ તરૂમાસી ખુરશી લેવા ગયા છે એ મેસેજનો મતલબ કિશન સમજી ગયો હતો. આજે રવિવાર હતો અને આજે કોઇ છોકરો સુરભિને જાવા આવી રહ્યો હતો અને સુરભિના ચહેરા ઉપરના તેવર એમ કહી આપે છે કે છોકરા જોવા આવે છે એ વાત તેને બિલકુલ પસંદ નથી ! ”
કિશન રસ્તામાં વિચારતો વિચારતો સામે રહેલા રંજનમાસીના ઘર તરફ જતો હતો કે રસ્તામાં જ તરૂમાસી મળી ગયા: “લે, કિશન બેટા, તું ક્રિકેટ રમીને આવી ગયો ? ”
“હું તમારા ઘેર પણ જઇ આવ્યો પણ બિલ્લીબેન ગુસ્સે થઇને બેઠા છે માસી !” કિશને હસી પડતા કહ્યું: “સુરભિએ મને કહ્યું કે તારા માસી ખુરસી લેવા રંજન માસીને ત્યાં ગયા છે.. એટલી જ વાતમાં ખબર પડી ગઇ કે…”
“હા, બેટા શું કરૂં ? તું જ કહે સુરૂ આજકાલ કરતા તેવીસ ચોવીસ વરસની થઇ ગઇ, એકાદ વરસ સગાઇ ચાલે ત્યાં પચીસ પુરા થઇ જાય. તને તો ન ખબર પડે પણ દીકરી તો માવતર માટે સાપનો ભારો છે બેટા ! અને હું તો સાવ એકલ પંડે ! તારા માસા ગુજરી ગયા ત્યારે સુરૂ દસ વરસની હતી. આ મેં એકલે હાથે મોટી કરી. હવે ઝટ એનાં હાથ પીળા કરી દઉ પછી મારે ચિંતા મટે ! એ તો જુવાન દીકરી ઘરમાં હોય એને જ ખબર પડે બેટા, આખી રાત ઊંઘ જ ના આવે !!!” એકી શ્વાસે આટલું બોલીને એ અટકયા: “ આ ચોથો છોકરો છે. પેલા ત્રણેય તો એને ગમ્યાં જ નહીં પણ આ ચોથો સરકારી નોકરીમાં ઊંચી પાયરી ઉપર છે. મારા ભાઇ જનુભાઇ લઇને આજે ચાર વાગ્યે આવે છે. તું જરાક હાજર રહેજે. અને હા, પાંચસો પેંડા અને પાંચસો ચવાણું… આલે પૈસા.” એમ કહેતા બ્લાઉઝમાં હાથ નાખીને બટવો કાઢવા ગયા કે કિશને સમ આપીને કહ્યું: “બસ, માસી બસ.. એ બધો હિસાબ સમજી લેશું. નાસ્તો તો હમણાં જ લઇને તમારે ઘરે મૂકી જઇશ. અને હું પણ ત્રણ સાડા ત્રણે આવી જ જઇશ, ચિંતા ન કરતા !!”
“આ નખરાળી છોકરી એવી છે ને કે ન પૂછો વાત !” બબડતા બબડતા તરૂબેન ઘર તરફ ચાલતા થયા.
પીપળાવાળી પોળમાં આમને સામને વીસેક જેટલા ઘર હતા. પોળમાં આ ત્રીજી ચોથી પેઢી ઉછરી રહી હતી. આઠથી દસ જેટલા છોકરા છોકરીઓમાં સહુથી શાંત ગણાતો હોય તો કિશન હતો. તેના પપ્પા સુધીરભાઇ સરકારી કચેરીમાં હેડકલાર્ક છે અને તેના મમ્મી સરોજબેન ગૃહિણી છે પણ આખી પોળનું પ્રેમાળ દંપતી છે ! કોઇના સારાભલા પ્રસંગે સુધીરભાઇ અને સરોજબેન ખડેપગે ઊભા રહે છે. એમનો એકમાત્ર દીકરો એટલે કિશન ! મોરના ઇંડાને ચિતરવા ન પડે એવું સંતાન. સૌને વ્હાલો લાગે એવો ! એમાંયે તરૂલતા બહેનના પતિ સુંદરજી ટી.બી.ને કારણે ગુજરી ગયા ત્યારે સુરભિ તો દસ વર્ષની હતી ! ટી.બી.એ એક ઘર મોભ વગરનું કરી દીધું પણ સુધીરભાઇએ અને સરોજે તરૂબેનનું ખૂબ ધ્યાન રાખ્યું. કદાચ એના જ આશીર્વાદને કારણે કિશન એમ. એસ.સી. ફિઝિક્સમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો અને હવે “ઇસરો” માં વૈજ્ઞાનિક થવા સુધીની તેની ગણતરી હતી. મમ્મી પપ્પાના કહેવાથી તે તરૂબેનનું સગા દીકરા જેટલું ધ્યાન રાખતો પણ હવે ધીમે ધીમે યુવાન થઇ ગયેલી પોતાની દીકરી સુરભિની ચિંતા તરૂબહેનને કોરી ખાતી હતી. સગાવહાલાં છોકરો બતાવતા પણ તે ના પાડી દેતી. પરિણામે સુરભિ રૂપની અભિમાની છે એવી અફવા ધીમે ધીમે ફેલાવા લાગી.
હા, એ રૂપાળી હતી, નમણી હતી, મોગરાનાં ફૂલ જેવી નાઝૂક હતી. પણ તેનું રૂપ દાહક નહોતું. તેની સાદગીમાં જ એક
શ્રૃંગાર હતો જેને બીજા કોઇ શણગારની જરૂર નહોતી. આજે તરૂમાસીના એકના એક ભાઇનો ફોન આવ્યો હતો. સાંજે ચાર વાગ્યે એ લોકો આવી જ ગયા.
“બેટા, પાણી લાવજે…” બેઠક રૂમમાં બેઠા બેઠા તરૂબેને બે વાર સાદ પાડયા ત્યારે તે પરાણે ગઇ. છોકરાએ તેને જાઇ અને પહેલી જ ક્ષણમાં પસંદ કરી લીધી. છોકરો ઇન્કમટેક્ષ કચેરીમાં કલાર્ક હતો. મા દીકરો બે જ હતા બીજી કોઇ જળોજથ્થા નહોતી. જનુભાઇએ માંડીને વાત કરી. તેમના કુટુંબીમાં જ ઠેકાણું હતું. વાતોનો સામાન્ય દોર ચાલ્યો. આ દરમિયાન તરૂબહેનનાં કહેવાથી સુરભિ ચા નાસ્તો લઇ આવી પણ આંખ ઉપાડીનેય એણે છોકરાને જાયો નહીં. અંતે જનુભાઇથી ન રહેવાયું તેમણે તરૂબેનને કહ્યું ઃ “એકવાર આનંદ અને ભાણી વચ્ચે વાતચીત થઇ જાય તો ? ” “હા…હા… કેમ નહીં ?” તરૂબેન રસોડામાં ગયા ત્યારે સુરભિ મોઢું ચડાવીને બેઠી હતી. તરૂબેને સુરભિને ફોસલાવી અને તૈયાર કરી. સુરભિ બાજુના રૂમમાં ગઇ. જનુભાઇએ ઇશારો કર્યો એટલે આનંદ પણ ગયો. શરુઆતની પાંચ મિનિટ તો માત્ર મૌન રહ્યું. સુરભિ નીચું જાઇને જ બેઠી હતી. છેવટે આનંદે બોલવાનું શરૂ કર્યું “મારૂ નામ આનંદ. હું આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાં છું. પરિવારમાં હું ને મમ્મી બે જ છીએ તમે.. તમને… મેં જાયા અને તમે…” આનંદને શું બોલવું એ સમજાયું નહી: એણે કહી દીધું ઃ “તમે મને બેહદ ગમો છો રીયલી કસમથી…”
“પણ તમે મને પસંદ નથી તેનું શું ?” આખરે સુરભિએ તીખી નજર તેની તરફ માંડી: “હું તમને ગમી મતલબ મારે તમારી જાડે સગાઇ કરી જ નાખવાની ? ”
“અરે ના… ના… એવું નથી. તમે વિચારો. વિચારીને મને જવાબ – ” “મેં વિચારી લીધું છે એટલે જ ચોખ્ખું જ કહી દઉ છું. તમે મને પસંદ નથી ઓકે ?”
“ઓ.કે.” એજ ઘડીએ આનંદ બહાર નીકળી ગયો. રૂમમાં થતી વાતચીતનો બોલાશ હવામાંથી ફિલ્ટર થઇને ય બીજા રૂમ સુધી તો પહોંચતો જ હતો. તરૂબેનને તો ખબર પડી ગઇ હતી પણ જનુભાઇ હજી આનંદને ઇશારાથી પૂછતા હતા ઃ “કેમ લાગ્યું ?” એનો જવાબ આનંદે એમ કહીને આપ્યો ઃ “ચાલો કાકા ચાલો હવે અહીં બેસવાનું કોઇ વજુદ નથી.” અને પછી આનંદ, તરૂબેનને વંદન કરી “જયશ્રી કૃષ્ણ ” કહી બહાર નીકળી ગયો. જનુભાઇ, પોતાની બહેન સામે અપેક્ષિત નજરે જાતા જાતા બહાર નીકળ્યા. તરૂબેને કહ્યું “ભાઇ બે – ચાર દિવસમાં કહેરાવીશ.”
—
મહેમાનો જતા રહ્યા પછી તરૂબેન સુરભિ ઉપર ખીજાઇ ગયા ઃ “આમ વાત કરાય કોઇની સાથે ? તારો અવાજ છેક બહાર સુધી આવતો હતો એ તો સારૂ છે કે જનુમામા બેય કાને જરા ઓછું સાંભળે છે..”
“મને નહોતું ગમતું તો મેં એને ચોખ્ખુ જ કહી દીધું. એમાં મેં શું ખોટું કર્યું મમ્મી ?”
“એક, બે, ત્રણ, ચાર…! આ દેવના દીકરા જેવો છોકરો હતો. પણ તને તો ચારેયમાંથી એકેય ન ગમ્યો ? ”
“આજે મારા પપ્પા હોત તો મને આ પ્રશ્ન ન કરત. મમ્મી ! કે મને શું ગમે છે અને શું નહી ? એ તો મારા પપ્પા હતા, પણ તું તો મારી મા છે જેણે મને નવ નવ મહિના સુધી પોતાના કોઠામાં જીવની જેમ સાચવી છે પણ તોય તું મને ઓળખી ના શકી ? અરે મારી માવડી તું મારા ભાવને ઓળખે, અભાવને ઓળખે, મારા સ્વભાવને ઓળખે, અરે મારા રૂંવેરૂંવાને ઓળખે, પણ મારી આંખને જ ન ઓળખી શકી મા ? કે મારી આંખમાં કોણ વસે છે ?”
“કોણ ?”
“જવાબ આપું તો રાધાને કોણ વહાલુ હતું ઇ મને કહે.” “રાધા ને વહાલો કા’ન….!”
“તો મારો કા’ન અહીથી ચોથા ઘરે સરોજ આન્ટી અને સુધીર અંકલને ત્યાં જ રહે છે મા ! આ તારી રાધા હવે એના કિશનને મનથી વરી ચૂકી છે. મારી સગાઇ કરવી હોય તો ત્યાં કર. બાકીના બધા મારે ભાઇ – બાપ છે !!” બરાબર એ જ ક્ષણે સરોજને લઇને કિશનનું ત્યાં આવવું અને સુરભિનું બોલવું.. .ખબર પડી ગયા પછી સુરિભનું શરમથી દોડી જવું પણ આડે જ ઊભા રહી સરોજનું સુરભિને બથમાં લઇ લેવું… તરૂલતાની આંખોમાંથી આંસુનું વહેવું… કિશનને લાગ્યું કે બ્રહ્માંડ થંભી ગયું છે કે શું ?