રાજ્ય સરકાર દ્વારા વારસાઈ જમીનના વહીવટ માટે માત્ર રૂ.૩૦૦ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાના ઐતિહાસિક નિર્ણયને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ આવકાર્યો છે. તેમણે આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. હિરપરાએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું હિત એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે અને આ નિર્ણય ખેતી, ખેડૂત તથા ગામડાઓના સર્વાંગી વિકાસની દિશામાં એક મજબૂત સાક્ષી પૂરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સતત લોકકલ્યાણકારી નિર્ણયો લઈ રહી છે. વારસાઈ જમીન વહીવટમાં જંત્રી આધારિત મોટી રકમને બદલે માત્ર રૂ.૩૦૦ ની નજીવી ડ્યુટીથી ખેડૂતોને સીધી આર્થિક રાહત મળશે અને વર્ષોથી ચાલતા કૌટુંબિક વિવાદોમાં પણ ઘટાડો થશે. આ નિર્ણયથી ગ્રામીણ સુખાકારીમાં વધારો થશે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ તેમજ પારદર્શક બનશે.હિરપરાએ આ ખેડૂતલક્ષી અભિગમ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.










































