રાજ્યના દિવ્યાંગજન નાગરિકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યના દિવ્યાંગજનોને બિમારીના સમયમાં યોગ્ય સારવાર આપવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે. નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું છે. બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી., દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જુથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.