રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનમાં સહાય કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ માગણી કરવામાં આવી છે. મોરચાના પ્રમુખ હિતેશ પટેલ અને મહામંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહેલ છે. જેના લીધે ખેતીના પાક જેવાકે, મગફળી, કપાસ, સોયાબીનને ખૂબ મોટું નુકશાન થયું છે. ખેડૂતોની આજીવિકાનો પાક નિષ્ફળ ગયો છે. ઉપરાંત પશુપાલકોને ઘાસચારાની પણ તંગી ઉભી થશે. રાજ્યમાં વ્યાપક નુકશાનીને ધ્યાને લઈને ભૂતકાળમાં રાજ્ય સરકારે સમાન ધોરણે સહાય કરી હતી. ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી, કપાસ, સોયાબીન જેવા વિવિધ પાકો વેચાણ માટે ઓનલાઈન અરજી કરેલ છે. એ ડેટાનો ઉપયોગ કરી તાત્કાલિક સહાયની ચૂકવણી કરવાની જરૂર છે. જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરેલ નથી તેઓનો સર્વે કરીને તાત્કાલિક સહાયની ચૂકવણી કરવાની જરૂર છે.