મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલે ૩ ઓગષ્ટ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવાય છે. જેના ભાગરૂપે નવી દિલ્હી ખાતે આજે ર ઓગષ્ટે ૧૫મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણીના ભાગરૂપે અંગદાન ક્ષેત્રે થતી કામગીરીને બિરદાવવામાં આવશે. જેમાં ગુજરાતમાં થઇ રહેલ અંગદાન ક્ષેત્રની કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે ત્રણ એવોર્ડ પ્રાપ્ત થશે. જેમાં ગુજરાત સરકારને “એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન”, ન્યુ સુરત સિવિલ હોસ્પિટલને “બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર”, કિડની ઇન્સ્ટીટ્યુટને “ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ” કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થશે. અંગદાનનું મહત્વ, તેની જન જાગૃતિ માટે ગુજરાત સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાના સહયોગથી સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારે લીધેલા નોંધપાત્ર પ્રયાસો બિરદાવવા ગુજરાત રાજ્યને “Excellence in Pramotion of Organ Donation ” એનાયત કરવામાં આવશે. રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.