જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ રાજુલા હોસ્પિટલમાં મોટો હોબાળો થયો હતો. મારામારીમાં ઘાયલ થયેલા લોકોને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૦થી ૧૫ લોકોનું ટોળું લાકડી અને ધોકા સાથે હોસ્પિટલમાં ઘૂસી આવ્યું હતું.હુમલાખોરોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને સારવાર લઈ રહેલા દર્દીઓ પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં વકીલ અરવિંદ ખુમાણ, મંજુબહેન લાખાભાઈ શિયાળ (ઉંમર ૩૮), કિશન લાખાભાઈ શિયાળ (ઉંમર ૩૮), હોસ્પિટલ સ્ટાફ દિનેશભાઈ ચતુરભાઈ અને શિયાળબેટની મારામારીમાં ઘાયલ થયેલા સાગરભાઈ લાખાભાઈ શિયાળ સહિત ૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ હાલ રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજુલા ASP વલય વૈદ્ય હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસમાં છકડાના ભાડા બાબતે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી છે. આ ઘટના બાદ રાજુલા હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો.