રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બેંક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. ૪ ઓગસ્ટના રોજ રાજુલાની એસબીઆઈ બેંકમાંથી કેશિયરના ડ્રોવરમાંથી રૂ.૧.૫૦ લાખની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરીને બાઈક પર ભાગતા જણાયા હતા. નેત્રમ, કમાન્ડ કંટ્રોલ અમરેલી અને ભાવનગર, તથા ત્રિનેત્રમ ગાંધીનગરની મદદથી પોલીસે આરોપીઓનો રૂટ ટ્રેસ કર્યો હતો. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે બે આરોપીઓની ઓળખ થઈ હતી, જેઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડીયાસાસી ગામના છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓએ માત્ર રાજુલા જ નહીં, પરંતુ ૬ ઓગસ્ટે બોટાદના બરવાળામાંથી રૂ.૨ લાખ અને ૭ ઓગસ્ટે મહેસાણાના કડીમાંથી રૂ.૪ લાખની ચોરી પણ કરી હતી. આમ, ત્રણ દિવસમાં કુલ રૂ.૭.૫૦ લાખની ચોરી કરીને તેઓ પોતાના વતન ભાગી ગયા હતા. રાજુલા પોલીસની ટીમે મધ્યપ્રદેશ જઈને બંને આરોપીઓની ધરપકડ કરી અને ચોરાયેલી રૂ.૭.૫૦ લાખની રકમ રિકવર કરી હતી. પોલીસે આરોપીઓ કુણાલ રાજેન્દ્ર ધપાણી અને બલદેવસિંહ બતાવસિંહ સિસોદિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.