અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતે નવીનીકરણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ કેન્દ્રમાં અરજદારોને ગરમીથી રાહત આપવા માટે વાતાનુકૂલિત સુવિધા, આરામદાયક બેઠક વ્યવસ્થા, પ્રતીક્ષા કક્ષ અને પીવાના પાણી જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અપગ્રેડેડ જનસેવા કેન્દ્રમાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને ઓછી તકલીફ પડે તે હેતુસર તેમને વિશેષ પ્રાધાન્ય આપવા માટે અલગ બારી અને લાઈનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તાઉતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાન બાદ મહેસૂલ વિભાગના અનુદાનમાંથી આ જનસેવા કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.