રાજુલા બસ સ્ટેશન પર એક ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. તારીખ ૦૭/૦૬/૨૬ ના રોજ બપોરે ૦રઃ૧૫ કલાકે રાજુલા તાલુકાના ડોળીનો પટ્ટ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય લાભુબેન કિશોરભાઇ શીયાળે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ જ્યારે સવારના આશરે પોણા દસેક વાગ્યે રાજુલા બસ સ્ટેશન પર કોડીનાર-વડોદરા રૂટની બસમાં ચડી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યા ચોર ઇસમે તેમની નજર ચૂકવી દીધી હતી. ચોરે ફરિયાદીના હાથમાં રહેલી કાપડની થેલીમાંથી રૂપિયા ૩,૦૦૦ ની કિંમતનું દિલ આકારનું સોનાનું પેંડલ, રૂપિયા ૧,૦૦,૮૦૦ની કિંમતનો ૧૪.૯૨૦ ગ્રામ વજનનો સોનાનો ચેઇન અને રૂપિયા ૧,૨૦૦ ની રોકડ રકમ ચોરી લીધી હતી. આમ, કુલ રૂપિયા ૧,૦૫,૦૦૦ના મુદ્દામાલની ચોરી થતાં રાજુલા પોલીસે અજાણ્યા તસ્કર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.